અમદાવાદ, તા.૧૦

કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી શહેરની જીસીએસ નર્સિંગ કોલેજ અને હોસ્પિટલે બીએસસી નર્સિંગના છેલ્લા વર્ષની વિદ્યાર્થિનીઓને આઈસીયુ વોર્ડમાં કોરોના ડ્યૂટી સોંપાતા બે વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરી ઓલ ગુજરાત મેડિકોઝ પેરેન્ટસ એસોસિએશને નર્સિંગ કોલેજ અને હોસ્પિટલના ડીન, પ્રિન્સિપાલ અને સુપ્રિન્ટેન્ડન્ટ સામે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. પોલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં ઓલ ગુજરાત મેડીકોઝ પેરેન્ટસ એસોસિએશનના પ્રમુખ જ્યોર્જ ડાયસે જણાવ્યું છે કે, રાજ્યના આરોગ્ય વિભાગે ધી ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન ર૦ર૦ લાગુ કરી મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થ્‌ઓની કોવિડ સહાયક તરીકે સેવા લેવાનું ઠરાવ્યું હતું. છતાં એ પહેલાં કોલેજના ર૧ જેટલા વિદ્યાર્થીઓને કોરોના ડ્યૂટીમાં મૂકવામાં આવ્યા હતા. શહેરના નરોડા રોડ પરની જીસીએસ હોસ્પિટલમાં તા.૧૩થી ૧૯ જુલાઈ સુધી ડિગ્રી મેળવી નથી તેવા ૧૮થી રર વર્ષના વિદ્યાર્થીઓને આઈસીયુમાં ગંભીર લક્ષણોવાળા વેન્ટિલેટર પર રખાયેલા દર્દીઓના વોર્ડમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. જે પૈકી બે વિદ્યાર્થિનીઓમાં કોરોનાના લક્ષણ દેખાતા ર૦થી ર૬ જુલાઈ સુધી હોસ્પિટલ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ર૮મીના રોજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતા ર૯મીએ તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કોલેજ દ્વારા ઈન્ટરનલ પરીક્ષામાં નાપાસ કરવાની ચીમકી આપી વિદ્યાર્થીઓ પાસે ફરજિયાત કોરોનાની કામગીરી કરાવવામાં આવતી હતી અને વોર્ડમાં કોઈ સિનિયર ડૉક્ટરો જતા ન હતા. વિદ્યાર્થીઓના ભરોસે આઈસીયુ સોંપી દેવાતા એ વોર્ડમાં અનેક દર્દીઓના મોત થયાનો તેમણે આક્ષેપ કર્યો છે, આમ ડૉક્ટરોની અક્ષમ્ય બેદરકારીના કારણે આ દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને વિદ્યાર્થિનીઓના જીવને જોખમમાં મૂક્યા છે. આથી ફરજનો ભંગ અને ગુનાહિત બેદરકારી અંગે કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરી તેઓની ધરપકડ કરવા માગણી કરી છે.