(એજન્સી)
મુગલસરાય, તા. ૨૮
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી સ્પેશિયલ આર્મી ટ્રેનમાં જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટર જવા માટે રવાના થયેલા બીએસએફની ૮૩મી બટાલિયનના ૧૦ જવાન ઓચિંતા લાપતા થતા રેલવેથી માંડીને સેના સુધી હોબાળો મચી ગયો છે. બર્ધમાન અને ધનબાદ રેલવે સ્ટેશન વચ્ચે બુધવારે આ ઘટના સર્જાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. બીએસએફના કમાન્ડરે મુગલસરાય જીઆરપીમાં જવાનો લાપતા થયા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બીએસએફના ૧૦ જવાન તેમના કમાન્ડરની રજા લીધા વગર ગેરહાજર છે. મુગલસરાય રેલવે સ્ટેશને ટ્રેન રોકાઇ ત્યારે બીએસએફના બધા જવાનોની ગણતરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે ૮૩માંથી ૭૩ જવાન હાજર છે અને ૧૦ જવાન લાપતા છે. ઘણી વાર સુધી રાહ જોયા બાદ પણ જવાનો વિશે કોઇ માહિતી નહીં મળતા બીએસએફના અધિકારીઓ પરેશાન થઇ ગયા હતા. જવાન લાપતા થયાની તાકીદે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બીએસએફ કંપની કમાન્ડરના નિર્દેશ પર એસઆઇ સુખબીરસિંહે જીઆરપી પોલીસ સ્ટેશને જવાનો લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલા અંગે મુગલસરાયના સબ-ઇન્સપેક્ટર જિતેન્દ્ર કુમાર યાદવે મીડિયાને કહ્યું કે આર્મી સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જતી વખતે લાપતા થયેલા બીએસએફના ૧૦ જવાનોનો મિસિંગ રિપોર્ટ તેમના કમાન્ડર દ્વારા નોંધાવવામાં આવ્યો છે અને અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.