માંગરોળ, તા.ર
થોડા દિવસો અગાઉ રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિકાસ ગૌરવયાત્રા સમગ્ર રાજ્યમાં કાઢવામાં આવી હતી. આ યાત્રા માંગરોળ તાલુકાના મોસાલી ગામે પણ આવી હતી.
યાત્રા મોસાલી ખાતે આવે એ પહેલા આ વિસ્તારના ધારાસભ્ય અને તત્કાલિન વન મંત્રી ગણપતસિંહ વસાવા સભાને ઉદ્બોધન કરવા ઊભા થયા ત્યારે મંડપમાંથી બીટીએસના કાર્યકરોએ સ્ટેજ તરફ ઈંડા ફેંક્યા હતા. જેને પગલે થોડા સમય માટે સભાસ્થળે ધમાચકડી મચી જવાં પામી હતી. જેમાં બીટીએસના ત્રણ કાર્યકરોએ પણ એમને માર મારનારા ભાજપના કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવા લેખિતમાં પોલીસ તંત્રને અરજી આપી છે છતાં આજદિન સુધી સુરત જિલ્લા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં બીટીએસનાં કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઉપરોક્ત વિગતો સહિત મોસાલી ગામનાં લઘુમતી સમાજે માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર રજૂ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે બીટીએસના કાર્યકરો કોઈપણ સમાજને રંજાડતા નથી કે અરાજકતા ફેલાવતા નથી. બીટીએસ, એસટી, એસસી અને ઓબીસી તથા માયનોરીટીના લોકોને સાથે લઈને ચાલનારૂં સંગઠન છે. ઉપરોકત સભામાં ભાજપના કાર્યકરોએ બીટીએસના કાર્યકરોને ઢોર માર માર માર્યો હતો અને આ પ્રશ્ને તે જ વખતે મારનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવા પોલીસને અરજી આપવામાં આવી હતી. છતાં આજદિન સુધી આ અરજી પ્રશ્ને કોઈ કાર્યવાહી પોલીસ તંત્રએ કરી નથી. જેથી માર મારનારાઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી છે.
Recent Comments