(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
ગુજરાત સરકારની ગુજરાત ગેસ લીમીટેડ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરમાં રૂ.૭/- નો જંગી વધારો ઝીંક્યો અચ્છે દિન વાયદા આપી સત્તા મેળવનાર ભાજપ સરકારે ગુજરાતના નાગરિકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે.પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, પી.એન.જી.-સી.એન.જી. સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારાના કારણે મોંઘવારીના મારથી દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. સામાન્ય અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર આપી છેતરપિંડી કરનાર ભાજપ સરકાર – મોદી સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી ગેસ કંપની ગુજરાત ગેસ દ્વારા સી.એન.જી.- પી.એન.જીની કિંમતમાં રૂ.૭/- નો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨પ૦થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્રની ભાજપ નેતૃત્વની એન.ડી.એ. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે ભારતની જનતાનું “હોમ ઇકોનોમિક્સ” ખોરવાઈ ગયું છે. ૨૦૧૪-૧પમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડ્યુટીથી ૧ લાખ ૭૨ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે કમાણી હવે ૧૦ લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. જે પ્રજાના ખિસ્સામાંથી કેન્દ્ર સરકાર લઈ ગઈ છે. ભારત આશરે ૨૨૫ મિલિયન મેટ્રિક ટન ક્રુડ બહારથી મંગાવે છે, જે દેશની કુલ વપરાશના ૮૨% છે, જે ૨૦૧૪ માં ભાજપે સત્તા સંભાળી ત્યારે ૭૭% હતું. હાલમાં ક્રુડનો આંતરરાષ્ટ્રીય બજાર ભાવ ૭૫.૯૫ ડોલર પ્રતિ બેરલ છે.
ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન છે. મોંઘવારી આસમાને પહોંચી છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં ૬ ટકાનો વધારો કર્યો છે. સરકારના આ પગલાથી સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. સાથો-સાથ રાંધણ ગેસની કિંમતમાં પણ વધારો થયો છે. આ ભાવ વધારાથી વીજળી અને યુરિયા ઉત્પાદનનો ખર્ચ વધશે. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૩૩ ટકાથી વધુ કુલ ૧૨ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જ્યારે કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો ઝીંકાયો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન એમ કહેતા કે ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવીશું, આવા વચનોથી ઉલટ મોંઘવારી ઘટવાના બદલે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૦૦ ટકાનો વધારો થઈ ગયો છે. મોદી સરકારના મળતી ઉદ્યોગપતિને લાભ થાય તે માટે સી.એન.જી. માં ૪૪ વખત ભાવ વધારો ઝીંકીને ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગની કમર તોડ મોંઘવારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. છેલ્લા ચાર વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ-ઓઈલના ભાવ ઘટાડો છતાં મોદી સરકારના આશીર્વાદથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૨,૦૦,૦૦૦ (બે લાખ) કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે.