(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજકોષીય ખાધના લક્ષ્યાંકને ઘટાડી જીડીપીને ૩.૩ ટકા કરી દીધું છે. પહેલા તેના ૩.૪ ટકા રહેવાનું અનુમાન લગાવાયું હતું. સામાન્ય બજેટમાં અમીરો પરનો ગાળિયો વધુ મજબૂત કરાયો છે જ્યારે મધ્યમવર્ગને ડીંગો દેખાડવામાં આવ્યો છે. બીજી તરફ ગામ, ગરીબો અને મહિલાઓ પર સરકારમહેરબાન બની છે પરંતુ આર્થિક વિકાસ માટે કોઇ વિઝન આ બજેટમાં દેખાયું નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષિય ખાધના લક્ષ્યાંકને ૩.૩ ટકા કરવામાં આવ્યું છે. સરકારે ફેબ્રુઆરીમાં ૨૦૧૯-૨૦નુંં વચગાળાનું બજેટ રજૂ કરતા રાજકોષિય ખાધ ૩.૪ રહેવાનું અનુમાન આપ્યું હતું. કોંગ્રેસે નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરેલા બજેટને નવી બોટલમાં જુની શરાબ તરીકે ગણાવ્યું છે અને કહ્યું છે કે, આમાં કાંઇ પણ નવું નથી. લોકસભામાં પાર્ટીના નેતા અધિર રંજન ચૌધરીએ સંસદ ભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આમાં કાંઇ પણ નવું નથી. જુની વાતોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. આ નવી બોટલમાં જુની શરાબ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ કહ્યું છે કે, આ બજેટમાં આમ આદમી માટે કાંઇ જ નથી.
મધ્યવર્ગ અને નીચલા મધ્યમવર્ગને શું મળ્યું
નરેન્દ્ર મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ વર્ષમાં નાના દુકાનદારો તથા કારોબારીઓને પેન્શન સુવિધાના લાભની જાહેરાત કરી છે. દોઢ કરોડથી ઓછાના વાર્ષિક ધંધાવાળા ત્રણ કરોડ નાના દુકાનદારો તથા ધંધાદારીઓ આ સુવિધાનો લાભ લઇ શકશે. ૪૫ લાખ સુધીની હોમ લોન પર ૩.૫ લાખ સુધીની છૂટ અને પાંચ લાખથી ઓછી વાર્ષિક આવકવાળાને કોઇ ટેક્સ આપવો નહીં પડે.
અમીરો પર ટેક્ષ
અમીરો પર ટેક્ષ બેથી પાંચ કરોડની કમાણી પર ત્રણ ટકા અને પાંચ કરોડથી ઉપરની ટેક્સ સ્લેબની આવક પર ૭ ટકા સરચાર્જ લાગશે.
ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન
ભારતની આયાતિત પેટ્રોલિયમ પદાર્થો પર વધતી નિર્ભરતાને ઘટાડવા માટે મોદી સરકારે સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રીક વાહનોને વિવિધ રીતે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. આમાં ઇલેકટ્રીક વાહન ખરીદવા માટે લેવાયેલી લોન પર ૧.૫ લાખ રૂપિયા સુધીના વ્યાજ પર વધારાના કાપનો પ્રસ્તાવ સામેલ છે.
ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન
નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિની રચનાનો પ્રસ્તાવ મુક્યો છે. આ સમિતિ દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવાના ઉપાય સૂચવશે. સાથે જ મહિલાઓની ભાગીદારી વધારવામાં સહયોગ કરશે. સીતારમણે તમામ જિલ્લાઓમાં સ્વયં સહાયતા જૂથો(એસએચજી)ના વિસ્તરણનો પ્રસ્તાવ કરતા જણાવ્યું હતું કે, દરેક એસએચસીમાંથી એક મહિલાને મુદ્રા યોજના અંતર્ગત ૧ લાખ રૂપિયા સુધીની લોન મળશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અનેક રીતના શ્રમ કાનુનો ચાર શ્રમ સંહિતાઓમાં સમાવેશ કરશે. સીતારમણે જણાવ્યું હતું કે, દુનિયાની ટોચની અર્થવ્યવસ્થાઓને શ્રમબળની કમીનો સામનો કરવો પડશે. તેમણે જણાવ્યું કે, ભારત નવી પેઢીની કુશળતા કૃત્રિમ મેઘ(એઆઇ), રોબોટિક્સ અને થ્રીડી પ્રિન્ટિંગની તાલીમ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
જાહેર ક્ષેત્રના એકમોમાં ભાગીદારી ઘટશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે જણાવ્યું હતું કે, સરકાર જાહેર ક્ષેત્રના કેટલાક ઉપક્રમો(સીપીએસઇ)માં પોતાની ભાગીદારી ઘટાડી ૫૧ ટકાથી નીચે લાવવા પર વિચારણા કરશે. આના પર દરેક કેસવાર વિચારણા થશે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરતા સીતારમણે જણાવ્યું હતું કે, સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ૫૧ ટકા સુધીની ભાગીદારી વધારવાની નીતિમાં સંશોધન કરવાનો નિર્ણય લીધો છે.
કોર્પોરેટ ટેક્સ
નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ૪૦૦ કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરનારી કંપનીઓ પર ૨૫ ટકાના દરથી કોર્પોરેટ સેસ લગાવવાનો પ્રસ્તાવ કર્યો છે. અત્યારસુધી ૨૫૦ કરોડ રૂપિયા સુધીના કારોબાર કરનારી કંપનીઓ પર ૨૫ ટકાના દરથી ટેક્સ લાગતો હતો.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણો માટે સોગાદ
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના(પીએમએવાય)-ગ્રામીણ અંતર્ગત આગામી બે વર્ષમાં ૧.૯૫ કરોડ ઘર બનાવશે. સીતારમણે પોતાના પ્રથમ બજેટમાં જણાવ્યું હતું કે, સરકારના તમામ કાર્યક્રમોના કેન્દ્રમાં ગામો, ગરીબ અને ખેડૂતો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોના નિર્માણની સમય મર્યાદા પ્રત્યક્ષ લાભ પ્લેટફોર્મ અને ટેકનોલોજીના ઉપયોગથી ઘટીને ૧૧૪ દિવસ રહી ગઇ છે. ૨૦૧૫-૧૬માં આ યોજના અંતર્ગત મકાનોના નિર્માણમાં ૩૧૪ દિવસ લાગતા હતા.આ મકાનોમાં વીજળી, એલપીજી કનેક્શન અને શૌચાલય ઉપલબ્ધ હશે.
શિક્ષણ
સરકાર નવી શિક્ષણ નીતિ લાવશે સાથે જ શિક્ષણની ગુણવત્તાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. વિદેશી વિદ્યાર્થીઓને ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રલાણીમાં આકર્ષિત કરવા માટે ‘ભારત મેં પઢો’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે સંસ્થાનો માટે ૪૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ, આ પાછલી સરકારના સંશોધિત અનુમાનથી ત્રણ ગણું છે.
મોટા કન્સ્ટ્રક્શન સંયંત્રો લગાવવાની તૈયારી
સૌર ઉર્જા ચાર્જિંગ માળખાગત સુવિધા અને કોમ્પ્યુટર સર્વર જેવા ઉભરતા અને અત્યાધુનિક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં મોટા વિનિર્માણ સંયંત્રો લગાવવા અંગે પારદર્શી બોલી હેતુથી વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાને લઇ યોજના શરૂ કરવામાં આવશે.

શું સસ્તું અને
શું મોંઘુ થશે ?

શું સસ્તું થશે ?
– ઇલેક્ટ્રિક કાર
– હોમ લોન
– સાબુ, શેમ્પુ, હેર ઓઇલ
– ટૂથપેસ્ટ
– ડિટરજન્ટ વોશિંગ પાવડર
– પંખા, લેમ્પ,
– બ્રીફ કેસ, યાત્રી બેગ
– સેનેટરી વેર, સેનેટરી નેપકીન
– બોટલ, કન્ટેનરના સામાન
– રસોઇના વાસણો
– ગાદલા, પથારી,
– ચશ્માની ફ્રેમ
– વાંસનું ફર્નિચર
– પાસ્તા,મેઓનિઝ
– અગરબત્તી
– નમકીન
– નારિયેળ
– ઉન અને ઉનના દોરા

શું મોંઘું થશે ?

– પેટ્રોલ-ડીઝલ
– સોનું, ચાંદી અને સોના-ચાંદીના આભૂષણો
– એસી
– લાઉડસ્પીકર
– વીડિયો રેકોર્ડર
– સીસીટીવી કેમરા
– ડિજિટલ વીડિયો કેમરા
– વાહનના હોર્ન
– સિગારેટ અને તમાકુની પેદાશો
– કાજુ
– આયાત કરાતા પુસ્તકો
– ઓટો પાટ્‌ર્સ
– સિન્થેટિક રબર
– પીવીસી ટાઇલ્સ, માર્બલ ટાઇલ્સ
– ઓપ્ટિકલ ફાઇબર
– સ્ટેનલેસ વસ્તુઓ
– મૂળધાતુના ફિટિંગ્સ, ફ્રેમ અને સામાન
– સંરક્ષણના ઉપકરણો
– ચામડાના સામાન

હવે બેંકોમાંથી રોકડ ઉપાડ
પર ટેક્સ ભરવો પડશે

દેશની તિજોરીમાં ટેક્સની આવક વધારવા માટે હવે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બેંકમાંથી રોકડ ઉપાડ પર પણ ટેક્સ નાખવાનો પ્રસ્તાવ કર્યો છે. નાણા પ્રધાને જણાવ્યું કે વર્ષમાં જો કોઇ વ્યક્તિ બેંકમાંથી એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડે છે તો તેના પર બે ટકા અધિક ટીડીએસ લગાવવામાં આવશે.

સોના પર આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧ર.પ ટકા કરાઇ

સરકારે સોના અને અન્ય બહુમૂલ્ય ધાતુઓ પર આયાત ડ્યૂટી વધારીને હવે ૧ર.પ ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેનાથી ડોમેસ્ટિક બજારમાં સોનુ અને ઘરેણાં મોંઘા થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પ્રથમ બજેટ ભાષણમાં સોનું અને અન્ય મૂલ્યવાન ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને ૧ર.પ ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
સરકારે આ પ્રસ્તાવ એવા સમયે રજૂ કર્યો છે જ્યારે ઘરેલુ ઘરેણાં ઉદ્યોગ આયાત ડ્યૂટીમાં કાપની માગ કરી રહ્યું છે. અગાઉ વાણિજ્ય મંત્રાલય પણ આયાત ડ્યૂટીમાં કાપ મૂકવાની ભલામણ કરી ચૂક્યું છે. નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯માં મૂલ્યના હિસાબે સોનાની આયાત ૩ ટકા ઘટીને ૩ર.૮ અબજ ડોલર જ રહી ગઇ છે.
સોનાની આયાતમાં ઘટાડાથી ચાલુ ખાતાની ખોટ પર અંકુશ લાદવામાં મદદ મળે છે. નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮માં બહુમૂલ્ય ધાતુઓની કુલ આયાત ૩૩.૭ અબજ ડોલર રહી હતી. ર૦૧૬-૧૭માં તે ર૭.પ અબજ ડોલર અને ર૦૧પ-૧૬માં ૩૧.૮ અબજ ડોલર હતી. માત્રાના હિસાબે જોવામાં તો દેશએ ગત નાણાંકીય ર્ષમાં ૯૮ર ટન સોનાની આયાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચીન પછી ભારત જ સોનાનું સૌથી મોટું આયાતકાર રહ્યું છે. સીસીટીવી કેમેરા, ડિજિટલ અને વીડિયો રેકોર્ડર, ઓટો સ્પેર પાટ્‌ર્સ તથા સિન્થેટિક રબર પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો કરી દેવાયો છે.