(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૭
નીતિ આયોગના તાજેતરમાં જાહેર થયેલ અહેવાલમાં રાજ્યમાં આરોગ્યની સ્થિતિ કથળવાના અને છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યામાં ઘટાડો થવાની વાત બહાર આવતા ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ પણ રિપોર્ટને પગલે ઉચ્ચ અધિકારીઓને કડક નિર્દેશો આપતા ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થઈ જવા પામ્યો છે. આ મુદ્દે ચીફ સેક્રેટરીએ આરોગ્ય વિભાગની મહત્ત્વની બેઠક આજે બોલાવી હતી અને તેમાં રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. જેમાં રાજ્યને આરોગ્ય ક્ષેત્રે ફરી નં.૧ પર પહોંચાડવા કામે લાગી જવા જણાવાયું હતું. નીતિ આયોગના અહેવાલને પગલે ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે આરોગ્ય વિભાગની મહત્વની બેઠકનું આયોજન કરાયુ હતું. રાજ્યમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે ડૉ.જે.એન.સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાના કન્યા જન્મદરનું રીવ્યુ લેવાયું હતુ. તેમજ જિલ્લાવાર કુપોષણ આંકડાકીય માહિતી પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડૉ.જે.એન.સિંહે કહ્યું હતું કે, રાજ્યનો એક પણ જિલ્લો આરોગ્ય બજેટની સમસ્યાથી પીડાતો નથી. આગામી બજેટમાં આરોગ્ય ક્ષેત્રના બજેટમાં વધારો કરાશે. ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે નંબર એક પર પહોંચાડવાનું છે. મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, નીતિ આયોગના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં ત્રીસ કરતા વધુ માપદંડોના સહારે જે અવલોકન કરાયું છે. તેમાં ગુજરાતે દેશભરમાં તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. એનો અર્થ એ થયો કે, ગુજરાતની આ ક્ષેત્રની કામગીરી સતત એકધારી ચાલી રહી છે, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નં.૧ રહેલા ગુજરાતને ચોથા સ્થાનથી સંતોષ ન હોય તે સ્વાભાવિક છે. એટલે જ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી માટે ગુજરાતે નક્કર ભાવિ આયોજન હાથ ધર્યું છે. ગિફ્ટ સીટી ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની આ મહત્વની બેઠકમાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતુંં કે, હેલ્થને લઈને સમગ્ર રાજ્યમાંથી આંકડાકિય વિગતો મેળવાશે. અંધશ્રદ્ધા જ્યા છે ત્યા કેમ્પેઈન ચલાવાશે. ૧૫ હજાર જેટલા હેલ્થ કર્મચારીઓ અલગ-અલગ માધ્યમથી લોક જાગૃતિ ફેલાવશે. ધાર્મિક લીડરોને કેમ્પેઈનમાં સામેલ કરાશે. રાજ્યના તમામ જિલ્લા ડીડીઓ, હેલ્થ વિભાગના અધિકારીઓને આ બેઠકમાં હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દીકરીઓને બચાવવા માટે અને દિકરીઓની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ જેવી અનેક જાહેરાતો ચલાવાય છે. લોકોને માહિતગાર પણ કરાય છે. તેમ છતાં ગુજરાતમાં છોકરીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો જઈ રહ્યો છે. તાજેતરમાં જ નીતિ આયોગનો હેલ્ધી સ્ટેટ પ્રોગ્રેસિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ગુજરાતને લઈને ચિંતાજનક રિપોર્ટ છે. આ રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં પ્રતિ હજાર છોકરાઓ સામે ૮૪૮ છોકરીઓ હોવાનું સામે આવ્યું છે. એટલે કે, ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં છોકરીઓની સંખ્યામાં ૮નો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં પરંતુ છોકરીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા જ ગુજરાત દેશમાં છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે.