(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે ૬ વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. જો કે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી અને આજે પણ સવારથી શોધખોળ ચાલી રહી છે. જ્યારે બિલ્ડરે લખેલી સ્યુસાઈડ નોટ સામે આવી છે. જો કે, પૈસેટકે સુખી અને સંયુક્ત કુટુંબમાં રહેતા યુવકે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો એ સ્યુસાઇડ નોટ પરથી પણ જાણી શકાયું નથી.
પોલીસને બ્રિજ પરથી યુવકનું મોપેડ, બૂટને સ્યુસાઇડ-નોટ મળી હતી. સ્યુસાઇડ-નોટ પરથી તાપીમાં છલાંગ લગાવનાર યુવકની ઓળખ શૈલેષ પ્રેમજીભાઈ વઘાસિયા (રહે. સ્નેહસ્મૃતિ સોસા. નાના વરાછા) તરીકે થઈ હતી. મૂળ ભાવનગરના શૈલેષ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસે શૈલેષના પરિવારને આ અંગે જાણ કરી શૈલેષના તાપીમાં છલાંગ લગાવવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. ફાયર-ઓફિસરે જણાવ્યું હતું કે, નદીના પેટાળમાં યુવકને શોધવાના પ્રયત્નો કર્યા હતા. જો કે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી. આજે શુક્રવાર સવારે ફાયર બ્રિગેડના વધુ જવાનો યુવકને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શૈલેષભાઈએ થોડા મહિનાઓ અગાઉ પણ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદ્‌નસીબે ઘરવાળાઓને ખબર પડી જતાં જે-તે સમયે તેમનો જીવ બચી ગયો હતો.