(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે ૬ વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. ઘટનાના ત્રીજા દિવસે ફાયર બ્રિગેડને મૃતકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પૈસે ટકે સુખી અને સંયુક્ત કુટુંબમાં રહેતા યુવકે શા માટે આપઘાત કર્યો એ સુસાઇડ નોટ પરથી પણ જાણી શકાયું નથી. જો કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સવજી કોરાટ બ્રિજ પરથી કુદેલા શૈલેષનો મૃતદેહ તણાઈને કાપોદ્રા બ્રિજ પાસે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા સતત શોધખોળ શરૂ રાખવાના કારણે મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો હતો. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હતો. ફાયરે મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મૂળ ભાવનગરના શૈલેશ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પોલીસે શૈલેશના પરિવારને આ અંગે જાણ કરી શૈલેશના તાપીમાં છલાંગ લગાવવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. આપઘાત મામલે પરિવારના કોઈ સભ્યને પરેશાન ન કરવા વિનંતી કરી છે. હું બહુ એકલો પડી ગયો હોવાનો ઉલ્લેખ બિલ્ડરે સ્યુસાઈડ નોટમાં કર્યો હતો. પોલીસ અંતિમ યાત્રા બાદ પરિવારના સભ્યોની વધુ પુછપરછ હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.