(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
વડોદરા શહેર નજીક કાનપુર ગામ પાસે આજે સવારે કારમાં આગ લાગતા શહેરના જાણીતા બિલ્ડર યુવાનનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, વડોદરા શહેર નજીક કાનપુર ગામ પાસેથી આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે શહેરના જાણીતા બિલ્ડર મિહીર પંચાલ તેમની વૈભવી કાર ફોર્ડ એન્ડેવર લઇને પસાર થઇ રહ્યાં હતા. તે સમયે અચાનક તેમની કારમાં આગ ફાટી નીકળી હતી. કારનાં બોનેટમાંથી નીકળતા ધુમાડાને પગલે તેમને કાર રોકી રોડની સાઇડમાં લીધી હતી. તેઓએ પહેરેલ સીટ બેલ્ટ કાઢવાની કોશિષ કરે તે પહેલા આગ આખી કારમાં ફેલાઇ ગઇ હતી. કાર આગની જવાળાઓમાં આવી ગઇ હતી. ગભરાઇ ગયેલ મિહીર પંચાલનું સીટ બેલ્ટ નહીં નીકળતા તેઓ સળગીને ભડથું થઇ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સળગતી કારને જોઇને ગામજનોનાં ટોળા પણ ભેગા થઇ ગયા હતા. લાશ્કરોએ આગ ઓલવી ગંભીર રીતે દાઝી ગયેલ મિહીરભાઇના મૃતદેહને બહાર કાઢયો હતો. ઘટના સ્થળે દોડી આવેલ તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. શહેરના નામી બિલ્ડર યુવાનનાં મોતની ખબર પડતા લોબીમાં ભારે શોક વ્યાપી ગયો હતો.