(એજન્સી) મુંબઈ,તા.૧૩
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના અત્યંત પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે વરલીના પ્રભાદેવીમાં એક ૩૩ માળની ઈમારતના ૩૨માં માળે ભયંકર આગ લાગી હતી. ઘટનાસ્થળે ફાયરની દસ ગાડીઓ પહોંચી ગઈ હતી. આગ એટલી ભયાનક છે કે ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. હજુ સુધી જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઈમારતના ૨૬માં માળે દીપિકા પાદૂકોણનો ફ્લેટ છે.
મળતી માહિતી મુજબ આગ પર મોડી સાંજે કાબુ મેળવી લેવાયો છે અને કોઈના પણ ઘાયલ થયા હોવાના અહેવાલો નથી.
આ બિલ્ડીંગ વરલીના વીર સાવરકર માર્ગ પર આવેલી છે. આગ લાગવાનું કારણ તો હજુ જાણવા મળ્યું નથી. બિલ્ડિંગનું નામ બ્યુમોન્ડે છે. એમ પણ કહેવાય છે કે આ બિલ્ડિંગમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણનું પણ ઘર છે. દીપિકા આ બિલ્ડિંગના ૨૬માં ફ્લોર પર રહે છે.
આ એપાર્ટમેન્ટ સિદ્ધિવિનાયક મંદિર પાસે જ છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને ૯૦-૯૫ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે. ઘટનાસ્થળે ફાયર ઉપરાંત એમ્બ્યુલન્સ પણ પહોંચી છે
દિપીકા પાદુકોણે ટિ્‌વટ કરી પોતે એકદમ સુરક્ષીત હોવાની જાણકારી આપી છે. દિપીકાએ ટિ્‌વટ કર્યું હતું કે, હું એકદમ સુરક્ષીત છું. આભાર. આપના અગ્નિશામકો માટે પ્રાર્થના કરો કે જેઓ તેમના જીવનને જોખમમાં મૂકે છે.