અંકલેશ્વર, તા. ૨૦
અંકલેશ્વરના પીરામણ ગામે બુકાનીધારીઓએ આતંક ફેલાવતા ઘરમાં ઘૂસી તોડફોડ કરી લૂંટ મચાવી હતી. નવીનગરી વિસ્તાર મહિલાને ઘરમાં ઘૂસી તમંચો બતાવતા ઘર છોડી બાળકોને લઇ બહાર ભાગીને બૂમાબૂમથી ગ્રામજનો જાગી જતા બુકાનીધારીઓ પથ્થરમારો ગ્રામજનો પર કર્યો હતો. ભાગદોડમાં તસ્કરોના હાથમાંથી દાગીના ભારેલ ડબ્બો પડી જતા મળી આવ્યો હતો લુંટારૂઓનું જીવતું કારતુસ પણ ઘરમાંથી મળી આવ્યું હતું બનાવના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી પણ હજી સુધી કોઈજ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
અંકલેશ્વર શહેર નજીક આવેલ પીરામણ ગામના નવીનગરી ખાતે રાત્રી દરમિયાન અજાણ્યા બુકાનીધારીઓએ આતંક મચાવ્યો હતો. મકાનમાંથી તોડફોડ કરી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો ચોરોએ સૌપ્રથમ તો નવી નગરીના મકાનના આજુબાજુના તમામ દરવાજાને બહારથી સાંકળ મારી દેવામાં આવી હતી. અને ત્યારબાદ મકાનને નિશાન બનાવી પાછળના દરવાજા નકૂચાના નટ બોલ ખોલી નાખી દરવાજો ખોલતા જ અંદર સૂતેલા રેખાબેન રમણભાઈ વસાવા જેઓ અચાનક ઊંઘમાંથી જાગી જતાં હથિયાર બતાવતાજ તેમને આગળનો દરવાજો ખોલી તેઓના છોકરાઓ અને છોકરીઓને બહાર કાઢી નાંખ્યા હતા.રેખાબેન એ બહાર જઇ બૂમા બૂમ કરી મૂકતા ગ્રામજનો જાગીને દોડી આવ્યા હતા. અને બુકાનીધારી ચોરોને પડકારતા ચોરોએ ગ્રામજનો પર પથ્થરમારો કર્યો હતો અને અંધારાનો લાભ લઇ પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ શહેર પોલીસ મથકે કરતા પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે રાત્રીના દોડી આવી હતી જો કે હજી સુધી આ બાબતે કોઈજ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. તો આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના સરપંચ ઇમરાન પટેલએ આ ઘટનાની તપાસ કરી લૂંટારુઓને પકડી પાડવાની માગ સાથે ગામમાં પેટ્રોલિંંગ વધારવા માગ કરી હતી.