(એજન્સી) બુલંદશહેર, તા.ર૬
ઉત્તરપ્રદેશના બુલંદશહેરના સ્યાના હિંસામાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમારસિંહની હત્યામાં શંકાના ઘેરાવમાં આવેલ પ્રશાંત ‘નટ’ની ખૂબ જ નજીક પોલીસ ટીમ પહોંચી ગઈ છે. પોલીસ સૂત્રો મુજબ, ખૂબ જ ઝડપથી નટ પોલીસની પકડમાં આવશે. એસ.ટી.એફ.ને એમના વિશે મહત્ત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે. નોઈડા, દિલ્હી અને ગુરૂગ્રામમાં એસ.ટી.એફ. અને ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમો નટની શોધ માટે પ્રયત્નશીલ છે.
૩જી ડિસેમ્બરે ગૌહત્યા પછી થયેલ હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની ગોળી મારી હત્યા કરાઈ હતી. હિંસાના મામલામાં ર૭ ઓળખાયેલ અને પ૦-૬૦ અજ્ઞાત વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. આ મામલામાં ર૮ આરોપીઓ જેલમાં છે. પોલીસને ઈન્સ્પેક્ટરની હત્યા માટે પ્રશાંત નટ ઉપર શંકા છે. હિંસા પછી પ્રશાંત નટ અને એમનું સમગ્ર કુટુંબ ગામમાંથી ગુમ થઈ ગયું છે. પ્રશાંતનું નામ તપાસ અને વીડિયો ફૂટેજ જોયા પછી સામે આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પ્રશાંત પહેલાં ઝડપાયેલ એમના ત્રણ સાથીઓએ પણ એમના નામ બાબતો ખુલાસો કર્યો હતો. હવે પોલીસનું નિશાન પ્રશાંત છે.