(એજન્સી) તા.૬
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(સીપીઆઈ-એમ)એ ઉત્તરપ્રદેશ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી આકરી ટીકા કરી હતી. સીપીઆઈએમએ યોગી પર આરોપ મૂક્યો હતો કે તેમના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે જ બુલંદશહેરમાં હિંસા ભડકી હતી. સીપીઆઈએમે કહ્યું કે આ હિંસા પણ ૨૦૧૯ની આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આચરવામાં આવી હતી. અગાઉ પણ આવી જ રીતે ૨૦૧૩માં મુઝફ્ફરનગર રમખાણોને અંજામ અપાયો હતો. એ રમખાણો પણ ચૂંટણી પહેલા યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા. સીપીઆઈએમ પોલિટ બ્યુરોએ નિવેદન બહાર પાડી પોલીસ ઈન્સપેક્ટર સુબોધકુમારની ઘાતકી રીતે કરાયેલી હત્યાની આકરી ટીકા કરી હતી. નોંધનીય છે કે સોમવારે લોકોના ટોળાએ બુલંદશહેર જિલ્લામાં સુબોધકુમારની હત્યા કરી દીધી હતી. સીપીઆઇએમે તેના નિવેદનમાં જણાવ્યુંં હતું કે આવી ઘટનાની યોજના લોકસભા ચૂંટણી પહેલા જ બનાવવામાં આવે છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ ઉશ્કેરણીજનક ભાષણો આપે છે અને તેઓ લોકોને એકઠા થવા માટે વાતાવરણ તૈયાર કરી આપે છે અને ત્યારબાદ તેમને ઉશ્કેરીને રમખાણો કરાવે છે. એકાએક ગૌહત્યાની અફવા ફેલાવવી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ જેવા હિન્દુ કટ્ટરવાદી સંગઠનોને અચાનક એકઠું થઈ જવું કોઈ કાવતરાં તરફ જ ધ્યાન ખેંચે છે. જે લોકોએ આ રમખાણોને અંજામ આપ્યો તેમની વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતાં સીપીઆઈએમે કહ્યું કે ભવિષ્યમાં આવા કોઈ કોમી રમખાણો ના સર્જાય તે માટે ચુસ્ત પગલાં અને કાર્યવાહી કરવામાં આવે. આ મામલે હજુ સુધી ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એફઆઈઆરમાં ૨૭ લોકોના નામ સામેલ છે. જોકે ૫૦થી ૬૦ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. ૨૭ લોકોમાં જમણેરી પાંખના કટ્ટરવાદી સંગઠનોના સભ્યોનો હાથ હતો અને તેમના જ નામ નોંધવામાં આવ્યા છે. જેમાં બજરંગ દળનો સમાવેશ થાય છે.