અમદાવાદ,તા.૧૦
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મનાતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોેજેક્ટ અંતર્ગત બુલેટ ટ્રેનને સૌથી પહેલાં ટ્રાયલ બેઝ પર અમદાવાદ અને વડોદરા વચ્ચે દોડાવાશે.
વર્ષ ૨૦૨૨માં દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ૭૫મા સ્વાતંત્ર્યદિન ૧૫મી ઓગસ્ટે અમદાવાદીઓ બુલેટ ટ્રેનની સફર વડોદરા સુધી કરી શકશે. સૌથી પહેલાં વડોદરા સુધીનો પ્રોજેક્ટ પૂરો કરવા માટે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનના સત્તાધીશોએ સૂચના આપી દીધી છે.
આશરે ૧૦,૦૦૦ કરોડના ખર્ચે થઈ રહેલા આ પ્રોજેક્ટનો મોટા ભાગનો હિસ્સો એલિવેટેડ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બનનાર ૫૦૮ કિ.મી.ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલમાં જમીન સંપાદનનું કામ ચાલુ છે, જે આ વર્ષના અંત સુધીમાં પૂરું થવાની શક્યતા છે.
અમદાવાદથી વડોદરા સુધીના રસ્તા પર જમીન સંપાદનની સમસ્યા પ્રમાણમાં ઓછી છે, કારણ કે અમદાવાદ-વડોદરા વચ્ચેના રેલવે ટ્રેકની બંને તરફ રેલવેતંત્ર પાસે પૂરતી જમીન છે.
રેલવે બોર્ડ અને રેલવેતંત્ર દ્વારા આ મુદ્દે અનેક બેઠક યોજાઈ છે. સમગ્ર પ્રોજેક્ટ એટલે કે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂરો કરવા ડિસેમ્બર-૨૦૨૩ની અવધિ નિયત કરાઈ છે, પરંતુ વડોદરા સુધીનો ટ્રેક ૨૦૨૨ સુધીમાં તૈયાર કરી દેવાશે.
હાલમાં આ પ્રોજેક્ટ માટે ૦.૯ હેક્ટર જમીન જ સંપાદિત થઈ છે. ૮૫૦ હેક્ટર જમીનની પ્રોજેક્ટ માટે જરૂરિયાત છે અને તે પૈકી ૮૫૦ હેક્ટર જમીન ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારમાં છે. હજુ સુધી માત્ર ૦.૯ હેક્ટર જમીન સંપાદિત થઈ હોઈ તંત્રએ વધુ મહેનત ઝડપથી કરવી પડશે અને સંપાદનના પ્રશ્નનો નિવેડો લાવવો પડશે.