(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
મોદી સરકાર જાપાન પાસેથી ૭૦૦૦ કરોડ રૂપિયામાં ૧૮ બુલેટ ટ્રેન ખરીદવાની યોજના બનાવી રહી છે. બુલેટ ટ્રેનના સોદામાં સ્થાનિક ઉત્પાદન માટે ટેકનોલોજીની ટ્રાન્સફરનો પણ સમાવેશ થશે. એક અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આપણે જાપાન પાસેથી ૧૮ શિંકનસેન બુલેટ ટ્રેન મેળવીશું. અધિકારીએ એવું પણ કહ્યું કે જાપાનની દરેક બુલેટ ટ્રેનમાં ૧૦ કોચ હશે. બુલેટ ટ્રેન ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડવામાં સક્ષમ છે. જાપાનની બુલેટ ટ્રેનને વિશ્વમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સુરક્ષાની ખાતરી કરવા માટે આ ટ્રેનમાં ઓટોમેટિક પ્રોટેક્શન સિસ્ટમ્સ છે. અધિકારીએ જણાવ્યું કે ભારતીય રેલવે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટિશિપેશન (પીપીપી)ના ધોરણે ભારતમાં બુલેટ ટ્રેન એસેમ્બલિંગનું પ્લાન્ટ ઉભા કરવાની દિશામાં કામ કરવાનું શરૂ કરશે. ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે. ભારતમાં એસેમ્બલિંગ પ્લાન્ટ બનાવવા માટે અમે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બિડ્‌સ મંગાવીશું.