(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
જાપાને અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જાપાન અનુસાર જો ૨૦૨૨ સુધી આ પ્રોજેક્ટે પુરોથવામાં વિલંબ થાય તો આ અંગે અમે કાંઇ કરી શકતા નથી. સોમવારે મુંબઇમાં જાપાનના કોન્સલ જનરલ રયોજી નોડાએ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણ મુદ્દે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ડિસેમ્બર ૨૦૧૮ની ડેડલાઇન વીતી ચુકી છે પણ ૨૦૨૨ સુધી નિર્ધારિત સમયમાં આ પ્રોજેક્ટ પુરો નહીં થાય તો અમે કાંઇ કરી શકીશું નહીં. ટોચની સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ અંગે જાપાન તરફથી કાંઇ કરી શકાય તેમ નથી. તેથી અમે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફથી જમીન ખરીદી કરવાની રાહ જોઇ રહ્યા છીએ. તેમને પુછવામાં આવ્યું કે, શું આનાથી પ્રોજેક્ટમાં વિલંબ થઇ શકે છે ત્યારે નોડાએ કહ્યું કે, મને વિલંબ અંગે કોઇ જાણકારી નથી પણ મારા મતે વધારે ના થવું જોઇએ.
આ પહેલા જ ૩૦મી જાન્યુઆરીએ અહેવાલ આવ્યા હતા કે, ગુજરાતમાં જમીન અધિગ્રહણમાં સાતથી આઠ મહિનાનો હજુ સમય લાગી શકે છે. આગામી લોકસભા ચૂંટણીને જોતા આ સમય જૂન ૨૦૧૯ સુધી પણ ખેંચાઇ શકે છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(એનએચએસઆરસીએલ)એ રાજ્ય સરકારો સાથે મળીને ગુજરાતમાં ૬૧૨ હેક્ટર, દાદરા અને નગર હવેલીમાં ૭.૫ હેક્ટર તથા મહારાષ્ટ્રમાં ૨૪૬ હેક્ટર જમીન અધિગ્રહમ કરવાની છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં ૫૪૦૪ લોકોએ પોતાની જમીન આપવી પડશે. આમાં સૌથી વધુ ૧૧૯૬ લોકો અમદાવાદના છે. ત્યારબાદ ખેડામાં ૭૮૩ લોકો પોતાની જમીન આપવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે એક સવાલના જવાબમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ૧૯મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, અધિગ્રહણ માટે ૩૨ તાલુકાના ૧૯૭ ગામોની જમીન નક્કી કરવામાં આવી છે. અત્યારસુધી ખેડૂતોની સહમતીથી ૧૬૦ હેક્ટર જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે. આ માટે ખેડૂતોને ૬૨૦ કરોડ રૂપિયાનું વળતર પણ આપી દેવામાં આવ્યું છે. કોન્સૂલેટ જનરલ નોડાએ કહ્યું કે, જાપાને ભારતમાં બુલેટ ટ્રેનના સંચાલન માટે ભારતીય સ્ટાફની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. આમાં ડ્રાઇવર, સિગ્નલ એન્ડ મેન્ટેનેન્સ વર્કર્સ અને ટ્રેન ચલાવવા સાથે જોડાયેલા અન્ય લોકોની તાલીમ સામેલ છે. તેમણે કહ્યું કે, આ લોકોને વડોદરા ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ અપાઇ રહી છે.