(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા ખેડૂતો પાસેથી જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી છે ત્યારે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે વડાપ્રધાનને પત્ર પાઠવી અપીલ કરી છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને અવરોધવાનો કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ નથી પરંતુ યોજના પાર પાડવાની પ્રક્રિયામાં રાજ્યના ખેડૂતોના બંધારણીય અધિકારોને કચડવા ન જોઈએ. આથી ખેડૂતોના હિતમાં ન્યાય કરવો જોઈએ. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પરત્વે અહમદભાઈ પટેલે જમીન સંપાદન કાનૂન-ર૦૧૩નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાને ખેડૂત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, એનએચઆરસી એ જિલ્લાના અધિકારીઓ સાથે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતો પાસેથી ખેતીની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ખેડૂતોના પ્રતિનિધિઓની એવી માગ છે કે આ અંગે જમીન સંપાદનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા, પુનઃસ્થાપન અને પુનઃવસવાટ ધારા, ર૦૧૩ના નિયમો અને જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જમીન સંપાદન-ર૦૧૩ ધારા અન્વયે ફરજિયાત એવી, પૂરતી નોટિસ અને પૂરતા પ્રમાણમાં જાહેરાત દ્વારા જાહેર વિચારવિમર્શની પ્રક્રિયા થવી જોઈએ. જ્યારે ખેડૂતોના જૂથો દ્વારા એવો વાંધો લેવામાં આવ્યો છે કે આવી મીટિંગ માંડ એક દિવસની નોટિસથી અને યોગ્ય જાહેરાત વગર યોજવામાં આવે છે. આમ થવાથી, આ પ્રોજેક્ટની અસરો અને આ કાયદા હેઠળ તેમને મળતાં અધિકારો વિષે તેમને જાણકારી આપવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે. બીજું કે, અત્યંત કમનસીબ બાબત છે કે, ગુજરાત સરકાર આ સમગ્ર પ્રક્રિયા સંસદે પસાર કરેલા કાયદાથી વિપરીત એવા હળવા બનાવાયેલા ર૦૧૩ના જમીન કાયદા હેઠળ કરી રહી છે. ગુજરાત સરકારના નિયમ હેઠળ, ખેડૂતોની સંમતિ અને સામાજિક અસર મૂલ્યાંકનને રદ કરી દેવામાં આવ્યા છે. ર૦૧૩ના કાયદા હેઠળ, ખેડૂતોના તેમની જમીન ઉપરના અધિકારનું હાર્દ જ તેમની સંમતિ અને અસર મૂલ્યાંકન અહેવાલના બે પાયા ઉપર રહેલું છે. જમીન સંપાદનની આ સમગ્ર પ્રક્રિયા માત્ર પ્રતિકાત્મક બની રહેશે. આ યોજના કેન્દ્ર સરકાર હેઠળ હાથ ધરાઈ રહી છે, ત્યારે ર૦૧૩ના જમીન કાયદાનું, આ જમીન સંપાદન માટે ચુસ્ત રીતે અમલ થાય તે માટે ગુજરાત સરકારે જમીન સંપાદન માટે જે પ્રકારના ફેરફાર કરેલ કાયદાનુસાર કોઈપણ પ્રકારના વિચલનથી ગુજરાતના ખેડૂતો અને ખેતમજૂરોને ગંભીર અન્યાય થશે.