(એજન્સી)
મુઝફ્ફરનગર, તા.૧૧
લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કા હેઠળ યુપીમાં ૮ બેઠકો પર ગઈકાલે ચાલી રહેલા મતદાનની વચ્ચે બુરખામાં મત આપવા પહોંચી રહેલી મહિલાઓ અંગે ફરી એકવાર વિવાદ શરૂ થઈ ગયો છે. મુઝફ્ફરનગરમાં ભાજપા ઉમેદવાર સંજીવ બાલિયાને બુરખામાં રહેલી મહિલાઓના ચહેરાની તપાસ ન કરાઈ હોવાનો મુદ્દો ઉઠાવતા અહીં બોગસ મતદાનનો આરોપ લગાવ્યો છે. બાલિયાને કહ્યું કે, જો તેને અટકાવવામાં નહીં આવે તો તે આ બેઠક પર ચૂંટણી પંચ પાસેથી પુનઃમતદાનની માગણી કરશે. બીજી તરફ કૈરાનાના સાંસદ અને ગઠબંધનના ઉમેદવાર તબસ્સુમ હસને બાલિયાન પર વળતો પ્રહાર કર્યો છે. હસને કહ્યું છે કે, બાલિયાન બુરખા પર પ્રશ્ન ઊભો કરી શકે નહીં, કારણ કે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે બુરખો હટાવીને ચહેરાની તપાસ કરવામાં આવે છે.
અત્રે એ ઉલ્લેખ કરવો ન્યાયી હશે કે, ભાજપા ઉમેદવાર સંજીવ બાલિયાન એ યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી છે અને તેઓ મુઝફ્ફરનગર રમખાણોના આરોપી છે. તેમના પર પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન તેમજ સરકારી કર્મચારીઓને તેમની ફરજ બજાવતા અટકાવવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, યુપીમાં ૮ બેઠકો (સહારનપુર, કૈરાના, ગાઝિયાબાદ, બાગપત, મેરઠ, બિજનૌર, ગૌતમબુદ્ધનગર અને મુઝફ્ફરનગર)માં ગઈકાલે મતદાન ચાલી રહ્યું હતું. પહેલા તબક્કા દરમિયાન આ ૮ બેઠકો પર ત્રણ કેન્દ્રીયમંત્રીઓ જનરલ વી.કે.સિંહ (ગાઝિયાબાદ), સત્યપાલસિંહ (બાગપત) અને મહેશ શર્મા (ગૌતમબુદ્ધનગર)ની સાથે સાથે રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)ના અધ્યક્ષ અજીતસિંહ અને તેમના પુત્ર જ્યંત ચૌધરી મેદાનમાં છે.

સંજીવ બાલિયાનના બોગસ વોટિંગના
આરોપોને ચૂંટણી પંચે ફગાવ્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
યુપીના મુઝફ્ફરનગરમાં ભાજપાના ઉમેદવાર સંજીવ બાલિયાને બુરખામાં મતદાન કરવા અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે, એક શખ્સ એકથી વધુ વખત મતદાન પણ કરી શકે છે. બુરખામાં જઈ રહેલી મહિલાઓની તપાસ કરવામાં આવતી નથી અને અહીં બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો તેમણે આરોપ પણ મૂક્યો છે.
બાલિયાનની ફરિયાદ અંગે યુપી ચૂંટણી પંચના વડાએ પ્રતિક્રિયા આપતા બાલિયાનના આરોપોને પાયાવિહોણા ગણાવી તેને ફગાવી નાખ્યા છે. તેમણે કહ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગે માહિતી મેળવી છે અને કોઈપણ વ્યક્તિની ઓળખ વગર તેને મતદાન કરવા દેવામાં આવતું નથી.