(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૫
બર્મામાં રોહિંગ્યા મુસ્લિમો ઉપર થઇ રહેલા અત્યાચાર તમણગીરી સામે સમગ્ર દુનિયામાં વિરોધ થઇ રહ્યો છે, જે સંદર્ભે સુરત શહેરમાં પણ બડેખા ચકલા, ખ્વાજાદાના દરગાહ રોડ ઉપરથી સુરત વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના બેનર હેઠળ એક મૌન રેલી ચોકબજાર ગાંધીજીના પૂતળા સુધી નીકળવા પામી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમો કાળી પટ્ટી ધારણ કરી એક શિસ્ત અને તાલબંધ રીતે મૌન ધારણ કરી પોતાનો વિરોધ દર્શાવતા બેનરો સાથે પગપાળા નીકળી પડ્યા હતા. મૌન રેલી કોઇ પણ અનિચ્છનિય બનાવ વગર સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત હેઠળ ગાંધી પ્રતિમાથી આગળ ગાંધી બાગમાં જઇ જ્યાં એક સભાનો આયોજન થયો હતો, અને સભામાં ઉપસ્થિત તમામ મુસ્લિમોેએ એકી અવાજમાં બર્માના રોહિંગ્યા મુસ્લિમો ઉપર થઇ રહેલા અત્યાચારનો વિરોધ નોંધાવ્યો હતો. મૌન રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં રહેલા બેનરોમાં બર્મા વિશે આક્રોશ સ્પષ્ટ પણે દેખાઇ દેતો હતો, બેનરોમાં લખાયેલ હતું કે, કિલ મી.આઇ.એમ મુસ્લિમ, બર્માના મુસ્લિમોને ન્યાય આપો, જેવા બેનરો સાથે એક મોટો બેનરમાં વડાપ્રધાનને ઉલ્લેખીને લખવામાં આવ્યું હતું કે, બર્મા મ્યાનમારથી પોતાની જાન બચાવીને ભારત દેશની શરણમાં આવેલા તથા મુસલમાનોને માહોલ શાંત થાય ત્યાં સુધી દેશમાં રહેવા દેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા નમ્ર અપીલ કરતા બેનરો પણ સ્પષ્ટપણે દેખાઇ દેતા હતા તેમજ છેવટે ગાંધી બાગમાં જઇ સભા મળ્યા બાદ આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલીનો આયોજન કરનાર વર્સેટાઇલ માયનોરિટીઝ ફોરમના પ્રમુખ ઇશ્તીયાક પઠાણ (બાબુ પઠાણ) તથા હાજી ચાંદી મુકદ્દર રંગુની, સલીમ ઘડિયાળી સહિતના આગેવાનો જઇ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વના પ્રચાર, પ્રસાર માધ્યમો, અખબારો ટીવી અને સોશિયલ મીડિયા ઉપર મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોની સામુહિક કત્લેઆમના સમાચારો વીડિયો કીપીંગ અને ફોટાઓ ચમકી રહ્યા છે. વિશ્વમાં આજદિન સુધી કદી પણ કોઇ રાજ્યમાં તેના નાગરિકો પછી તે ગમે તે ધર્મ કે જાતિના હોય કે ગમે તે સંપ્રદાયને અનુસરતા હોય તેઓની વિરૂદ્ધમાં તેઓનું નિકંદન કાઢવાનું આંદોલન સરકાર દ્વારા ચલાવવામાં નહી આવ્યું. હાલમાં બર્માના રોહિંગ્યા મુસલમાનોનું નિકંદન (જીનોસાઇડ) કરવાનું ત્યાંના અન્ય જાતિના નાગરિકો સરકારના સમર્થનથી ચલાવી રહ્યા છે. જે બરબરતા અને ક્રૂરતાથી તે રોહિંગ્યા મુસ્લિમોને સરેઆમ કત્લેઆમ કરે છે. તેઓને જીવતા સળગાવી દેવામાં આવી રહ્યા છે. તેઓના પગમાં ટાયરો બાંધી થાંભલા અને ઝાડ સાથે બાંધી દઇ તેમને સળગાવી દઇ, ટોળાઓ તેનો આનંદ મેળવે છે. આ ઉપરાંત વધુમાં એવું જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં દુનિયાની મહાસત્તાઓ પણ ચૂપચાપ આ ઘટનાઓ નિહાળી રહી છે. વાતે વાતે મારામારીના કૃત્યોને પણ આતંકવાદી કૃત્યો ગણાવી નાના ગુનેગારોને પણ આતંકવાદી ગણાવી તેને સજા અપાવવા માગણી કરતા રાજકીય પક્ષો તરફથી પણ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તે દુઃખદ બાબત છે તેથી અમારા ભારતના મુસ્લિમ સમાજ તરફથી આ અપીલ છે કે, ભારત સરકાર આ બાબત અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી મ્યાનમારમાં થતી નિર્દોષ નાગરિકોની થતા કત્લેઆમને અટકાવવાનો પ્રયાસ કરે અને વિરોધ નોંધાવે, જેથી દુનિયાની લોકશાહી ધરાવતા દેશોમાં ભારતની શાખમાં ઓર વધારો થાય જેથી આ રેલીમાં જોડાયેલા સમગ્ર મુસ્લિમ અને અન્ય બહુમતિ કોમ સાથે આવેદનપત્ર દ્વારા વ્યક્ત કરાયેલી માગણી યોગ્ય જગ્યાએ પહોંચી સાથે સાથે મ્યાનમારની એણ્બેસીને પણ આવેદનપત્રની નકલ પહોંચાડી બધાની લાગણી અને માગણીથી માહિતગાર કરશો તેવું સુરત જિલ્લા કલેક્ટરને આવેલ આવેદનપત્રમાં વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના પ્રમુખ બાબુ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું.