(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક મધરાત્રે ૨ઃ૧૦ વાગ્યે ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસ પલટતા ક્લીનરનું મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા સુરતના ૧૬ લોકોને પણ ઈજા પહોંચી હતી.
રાત્રે ૨ઃ૧૦ કલાકે ધુલીયાથી સુરત આવતી જીજે – ૧૪-એક્ષ-૨૨૫૦ નંબરની લક્ઝરી બસગુજરાતની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરના પીપલનેર નજીક ચરણમાળ ઘાટ પર પલટી મારી ગઈ હતી. જેમાં બસના ક્લીનરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરોને ઈજા પહોંચી હતી. દરમિયાન બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. લક્ઝરી બસ પલટતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં સુરતના ૧૬ લોકોનો પણ સમાવેશ થાય છે. સુરતના ઉન પાટીયા વિસ્તારમાં રહેતા શા પરિવારના ૪ બાળકો સહિતના ૧૬ સભ્યો ધુલીયા ખાતે ભત્રીજાના લગ્નપ્રસંગમાં ગયા હતા. લગ્નપ્રસંગ પતાવી તમામ સુરત પરત ફરી રહ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્‌યો હતો. ઈજાગ્રસ્ત ૨૯ વર્ષીય કુરબાન ગુલાબ શા એ જણાવ્યું હતું કે, ડ્રાઇવર દારૂના નશામાં ફિલ્મી ગીતો સાંભળી બસ પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. અન્ય મુસાફરોએ બસ ધીમે ચલાવવા પણ કહ્યું હતું. દરમિયાન નવાપુરના પીપલનેર નજીકની ચરણમાળ ઘાટ પર બસ પલટી મારી ગઈ હતી. જેમાં ક્લીનરનું મોત થયું હતું. રોડ પર જતા વાહનચાલકોની મદદથી તમામ ઈજાગ્રસ્તને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ અમારી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કુરબાન શાએ વધુમાં જણાવ્યું હતું કે, રૂપિયા ૧ લાખના દાગીના ભરેલ બેગ ગુમ થઈ ગયેલ છે.