અમદાવાદ,તા.રર
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં છે અને તેના આખરી પડાવમાં પહોંચી ગઈ છે. ત્યારે કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા ગામડેથી બસો ભરેલી જ આવવી જોઈએ. ખાલી બસો આવશે તો કાર્યકર્તાઓ ઉપર તવાઈ આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. કારણ કે ટ્રમ્પ તરફથી એવી વાત વહેતી થઈ હતી કે તેમનું સ્વાગત કરવા અમદાવાદમાં ૧ કરોડ લોકો ઉભા હશે. જયારે કે અમદાવાદની કુલ વસ્તી પણ એક કરોડ નથી ત્યારે અગાઉ નક્કી કર્યા મુજબ લોકોની ભીડ ભેગી કરવા રર૦૦ જેટલી બસો દોડાવાશે. લોકોની ભીડ વધુ પ્રમાણમાં ભેગી થાય તે માટે બસ અર્ધી કે ખાલી નહીં લાવવા સુપરવાઈઝરને સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વળી બસમાં આવનારાઓએ તેમનો સામાન બસમાં જ મુકીને આવવું પડશે. તેમજ બસમાં જ લોકોને પાણીની સુવિધા-નાસ્તો આપી દેવામાં આવશે. વળી બસમાં આવનાર લોકોએ તેમનું ઓળખકાર્ડ ફરજિયાત પોતાની સાથે રાખવું જ પડશે. વળી આ બધી કામગીરીમાં એસ.ટી. વિભાગના સુપરવાઈઝરની પણ મદદ લેવાશે. કાર્યક્રમ દરમ્યાન લોકોને આવનજાવન કરવા દેવાશે નહીં. સ્ટેડિયમમાં ખાલી જગ્યા ન જોવા મળે સુપરવાઈઝરોએ સ્ટેડિયમમાં પીવાની પાણી અને શૌચાલયની સુવિધા અને સ્થળની જાણ મુલાકાતીઓને કરવાની રહેશે. આમ તેમણે પણ અનેક બાબતોનું પાલન કરવાનું રહેશે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા કાર્યકર્તાઓને જવાબદારી સોંપાઈ છે. જયારે તેની દેખરેખની જવાબદારી એસ.ટી.ના સુપરવાઈઝરને સોંપાઈ છે. ત્યારે જો બસ અર્ધી ખાલી કે ખાલી આવશે તો જે તે જવાબદાર કાર્યકર્તા પર તવાઈ આવવાની શકયતા રહેલી છે. આમ ભય કે ડરથી પણ કાર્યકર્તાઓ કોઈપણ રીતે ભીડ એકઠી કરવા એડીચોટીનું જોર લગાવે તો નવાઈ નહીં !!!