(સંવાદાતા દ્વારા) સુરત, ૦૨
શહેરના વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી લક્ઝરી બસના સંચાલકોનો ત્રાસ વધતાં સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઇ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ટ્રાફિક સમસ્યાને લઇ ડી. પી. વેકરીયા દ્વારા ટ્રાફિક એસીપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે શહેર પોલીસે ૨૦ જેટલી લક્ઝરી બસો ડિટેઇન કરી હતી. જેના કારણે બસના માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. વરાછા, કાપોદ્રા અને સરથાણા વિસ્તારમાં લક્ઝરી બસના ચાલકોનો ત્રાસ અતિશય પ્રમાણમાં વધી ગયો હતો. પુરપાટ ઝડપે બસ ચલાવવાથી માંડી રસ્તાઓ પર મુસાફરોને ઉતાવરા અને ચઢાવવા આડેધડ રસ્તા પર બસો ઉભી રાખી દેતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. સ્થાનિક લોકો દ્વારા પણ અનેકવાર પોલીસને આ બાબતે રજૂઆત કરવામાં આવત હતી. પરંતુ પોલીસ આંખ આડા કાન કરતી હતી. સ્થાનિક લોકોની ફરિયાદને પગલે કાપોદ્રાના કોંગ્રેસના કોર્પોરેટર ડી. પી. વેકરીયાએ આ મામલે આખરે એસીપી ઝેડ. એ. શેખને રૂબરૂ મળી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રજૂઆત કરી હતી. જેથી ગતરોજ મોડીરાત્રે એસીપી શેખે રાતોરાત કામગીરી હાથ ધરી હતી. મોડીરાત્રે શહેરના રસ્તાઓ પર આડેધડ બસો ઉભી રાખતા, તથા ટ્રાફિક નિયમનો ભંગ કરતા લક્ઝરી બસના ચાલકો સામે લાલ આંખ કરી હતી. ટ્રાફિક પોલીસે ગતરોજ મોડીરાત્રે ૨૦થી વધુ લક્ઝરી બસો ડિટેઇન કરી હતી. પોલીસે તમામ બસો ડિટેઇન કરી ઓલપાડના માસમાં ગામે મોકલી આવી હતી. જેના કારણે બસ માલિકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.