(એજન્સી) મુઝફ્ફરપુર, તા. ૩
બિહારના મુઝફ્ફરપુરથી દિલ્હી જઇ રહેલી બસ મોતિહારીના નેશનલ હાઇવે – ૨૮ પર કોટવા ક્ષેત્રમાં બંગરા નજીક ઓચિંતા ઊંધી વળતાં બસમાં આગ ફાટી નીકળી હતી. બસની ભીષણ આગમાં ૨૭ લોકો જીવતા ભૂંજાઇ ગયા છે અને અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. બસમાં આગ ફાટી નીકળ્યાના એક કલાક બાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચતા લોકોમાં રોષ ફેલાયો છે. બિહારના પ્રધાન દિનેશચંદ્ર યાદવે મોતિહારી બસ દુર્ઘટનામાં ૨૭ યાત્રીઓનાં મોતની પુષ્ટિ કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશકુમારે મૃતકોના પરિવારવાળાઓને ચાર લાખ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું કે ૮ યાત્રીઓને સલામત બચાવી લેવાયા છે. દાઝી ગયેલા યાત્રીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બસની સ્પીડ વધુ હતી અને ખાડાને કારણે બસના ડ્રાઇવરે સમતુલન ગુમાવતાં બસ ઊંધી વળી ગઇ હતી અને તેમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં બસ અગ્નિજવાળાઓમાં લપેટાઇ ગઇ હતી અને યાત્રીઓને બહાર નીકળવાની તક જ મળી ન હતી. સ્થાનિક લોકોએ ધુમાડાને જોઇને પોલીસ અને વહીવટીતંત્રને દુર્ઘટનાની જાણ કરી હતી. લોકોએ જાતે બસની આગ બૂઝાવવાના પ્રયાસો કર્યા હતા. દિલ્હી જઇ રહેલી આ એસી બસ હતી અને ચારે તરફથી પેક હોવાને કારણે બસ ઊંધી વળી અને તેમાં આગ ફાટી નીકળ્યા બાદ લોકોની ચીસો પણ બહાર સાંભળવા મળી ન હતી.
બિહારના મોતિહારીમાં બસ પલ્ટી ગયા બાદ આગ લાગતાં ૨૭નાં મોત, બચાવ અભિયાન શરૂ

Recent Comments