(એજન્સી) બેઈજિંગ, તા.ર૩
મંગળવારે ચીની રાષ્ટ્રપતિએ સત્તાવાર રીતે વિશ્વના સૌથી લાંબા સી-બ્રિજ (સમુદ્રી પુલ)નું ઉદ્‌ઘાટન કર્યું છે કે જે હોંગકોંગ અને મકાઉને જોડે છે. આ બ્રિજની લંબાઈ પપ કિલોમીટરની છે. આ બ્રિજને બનાવવાની શરૂઆત વર્ષ ર૦૦૯માં ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. આ બ્રિજના બાંધકામમાં કુલ ૧ર૦ અરબ યુઆન એટલે કે ૧૭.૩ અરબ ડોલરનો ખર્ચ થયો છે. આ ખર્ચને હોંગકોંગ, ઝુહાઈ અને મકાઉની સરકારોએ સંયુકત રીતે ઉઠાવ્યો છે.
પપ કિલોમીટર લાંબા આ બ્રિજમાં પાણીની નીચે ૬.૭ કિ.મી. લાંબી સુરંગ પણ બનાવવામાં આવી છે. જેની ઉંડાઈ ૪૪ મીટર છે. આ બ્રિજમાં રર.૯ કિ.મી.નો ડુઅલ-થ્રી લેન છે કે, જે સમુદ્રની ઉપર છે. આ બ્રિજને બનાવવામાં લગભગ ૪ લાખ ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આટલા સ્ટીલથી ૬૦ એફિલ ટાવરનું નિર્માણ થઈ શકે છે. આ બ્રિજને બનાવતી વખતે ભૂકંપથી કઈ રીતે બચી શકાય તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બ્રિજ રિકટર સ્કેલ પર ૮ની તીવ્રતાવાળા ભૂકંપને સરળતાથી સહન કરી શકશે.
આ બ્રિજ પર્લ નદીની આસપાસમાં આવેલા અન્ય શહેરોને પણ જોડશે. આ બ્રિજને કારણે હવે હોંગકોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઝુહાઈ સુધી જવામાં માત્ર ૪પ મિનિટ સુધીનો સમય લાગશે. આ પહેલા આ બન્ને વચ્ચેનું અંતર કાપવામાં ૪ કલાક સુધીનો સમય લાગતો હતો.