અમદાવાદ,તા. ૧૦
શહેરના બિસ્માર રસ્તાઓના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારીઆની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓની જોરદાર ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓનો ઉધડો લેતાં રસ્તાઓનું હલકી ગુણવત્તાયુકત કામ કરનારા કોન્ટ્રાકટરોના કોન્ટ્રાકટ રદ કરવા અને જવાબદાર કોન્ટ્રાકટરોના પેમેન્ટ અટકાવવા પણ અમ્યુકોને ચીમકી આપી હતી. હાઇકોર્ટે શહેરના તમામ બિસ્માર રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પાસેથી શહેરના તમામ રસ્તાઓ અંગેનો વિગતવાર અહેવાલ પણ માંગ્યો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં અમ્યુકો દ્વારા કરાયેલ રસ્તાઓની કામગીરી, સમારકામની વિગત, કોન્ટ્રાકટરની વિગત, તેને કરાયેલી ચૂકવણી, જવાબદાર અધિકારી સહિતની વિગતો માંગી હતી. વધુમાં, હાઇકોર્ટે કોન્ટ્રાકટરોએ અમ્યુકો દ્વારા કેટલા પૈસા ચૂકવાયા અને રસ્તાઓના કામ પાછળ કેટલા વપરાયા તે સહિતની વિગતો પણ રજૂ કરવા અમ્યુકોને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ રાખી હતી. શહેરના તૂટી ગયેલા અને ધોવાણ થઇ ગયેલા રસ્તા મામલે હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું હતું કે, વરસાદમાં સીજી રોડના રસ્તા કેમ ધાવાતા નથી, શું સીજી રોડ પર અલગ વરસાદ પડે છે. રસ્તાઓની ચકાસણની જવાબદારી કોની અને જે તે ઝોનના સીટી એન્જિનીયરો સામે શું પગલા લેવાયા? રસ્તાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે તે પબ્લીક મની છે. રસ્તાઓ બનાવવા માટે અપાતા કોન્ટ્રાકટની શરતોમાં હવે સુધારો કરવાની જરૂર જણાય છે. રસ્તો બન્યા બાદ તેના પર કોન્ટ્રાકટરનું નામ પણ દર્શાવવું જોઇએ કે જેથી લોકોને ખબર પડે કે કોણે રસ્તો બનાવ્યો. રસ્તા બનાવવા માટે મટીરીયલ્સની ચકાસણી કોણ કરે છે અને વિજિલન્સ કમિશનર કોણ છે. હાઇકોર્ટે અમ્યુકોને ચાબખો માર્યો હતો કે, શહેરના રસ્તાઓની એ દુર્દશા થઇ ગઇ છે કે, હાલ એક કિ.મી રસ્તો કાપતાં ૧૦ મિનિટ થાય છે. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને માર્મિક ટકોર કરી હતી. હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓ પાસેથી હાઇકોર્ટના અગાઉના આદેશોનું કેમ અને કયા કારણસર પાલન થતું નથી તે મુદ્દે પણ ખુલાસો માંગ્યો છે.