(એજન્સી) ન્યુયોર્ક , તા.૨૦
સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકારો માટેના હાઈ કમિશનર મિશેલ બેચલેટે ભારતમાં માનવ અધિકારો માટે કામ કરતાં સંગઠનો સામે ગાળિયો કસવા સહિત અસ્પષ્ટ શબ્દોમાં તૈયાર કાયદાની પણ ટીકા કરી હતી જેમાં એનજીઓ અને વિદેશી ભંડોળ પર નિયંત્રણો મુકતો કાયદો ધડવામાં આવ્યો છે. એક નિવેદનમાં બેચલેટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભારતમાં સામાજીક કાર્યકરો અને માનવ અધિકારોની રક્ષા કરનારા લોકો પર ભરપૂર દબાણ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ લોકોએ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરૂદ્ધના પ્રદર્શનોમાં ભાગ લેતાં તેમની હાલત કફોડી બનાવી દેવાઈ છે. આ કાયદાનો વિરોધ કરવા યોજાયેલા આંદોલનોમાં સામેલ થવા બદલ લગભગ ૧૫૦૦ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. અને કેટલાક લોકો સામે તો યુએપીએ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, યુએપીએ પણ એક એવો કાયદો છે જેમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મૂલ્યોની અવગણના કરવામાં આવી છે. આ કાયદો પણ વિવાદોમાં છે. તેેમણે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એકટ અંગે પણ મિશેલ બેચલેટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુએનના ઘણાં માનવ અધિકાર સંગઠનો પણ આ ફોરેન એકટની ટીકા કરી ચૂકયા છે. કેમ કે આ કાયદાની પણ કોઈ ચોક્કસ વ્યાખ્યા કરવામાં આવી નથી અને તેના શબ્દો પણ અસ્પષ્ટ હોવાનું સંગઠનો દ્વારા જણાવાયું હતું. આ કાયદા હેઠળ જાહેર હિતના કામોમાં વિદેશી ભંડોળ પર નિયંત્રણો લદાયા છે. યુએન માનવ અધિકાર પરિષદ દ્વારા કરાયેલી આ ટીકા અંગે ભારતે જણાવ્યું હતું કે, અમને વધુ માહિતગાર દ્રષ્ટિકોણની અપેક્ષા હતી. તાજેતરમાં માનવ અધિકાર માટે કાર્યરત એમનેસ્ટી ઈન્ટરનેશલે એફસીઆરએના ઉલ્લંધનના આરોપો બાદ સ્થગિત કરાયેલા બેન્ક એકાઉન્ટોને પગલે ભારતમાં પોતાની કાર્યવાહી અટોપી લીધી હતી. અને તમામ કાર્યાલયો બંધ કરી દીધા હતા. બેચલેટે જણાવ્યું હતું કે, ઘણાં વર્ષો પહેલાં એનજીઓ પર દરોડાની કાર્યવાહી, બેન્ક એકાઉન્ટો સીલ કરવા, સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સંસ્થાઓ સાથે જોડાયેલ નાગરિક સંગઠનો સહિત એનજીઓની નોંધણી રદ્દ કરવા સહિતની કાર્યવાહીઓને ન્યાયી ઠેરવવા માટે એફસીઆરએ લાગુ કરવામાં આવ્યો હતો. તેમણે ભારત સરકારને અનુરોધ કર્યો હતો કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ પોતાના વિચારો વ્યક્ત કરનારા લોકો અને શાંતિપૂર્ણ પ્રદર્શનો કરતાં લોકોની ધરપકડ ન કરવામાં આવે. જેની ખાતરી કરતી વ્યવસ્થા લાગુ કરવામાં આવે. ભારતમાં એક મજબૂત સામાજીક માળખું છે. ભારતની મજબૂત સામાજીક સંરચનામાં અનેક લોકો માનવ અધિકારોની તરફેણ કરે છે. તેમણે ફોરેન એકટમાં કરાયેલા સુધારા સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ફોરેન ફન્ડિંગ એકટમાં સુધારો કરતાં લાગુ કરાયેલા કાયદાની ચર્ચા વખતે સંસદમાં જોરદાર દલીલો થઈ હતી. આ સમયે ભાજપના સાંસદ ડોકટર સત્યપાલ સિંહે દાવો કર્યો હતો કે, વિદેશી ભંડોળની મદદથી ખ્રિસ્તિ મિશનરી સંસ્થાઓ દ્વારા લોકોનું ધર્મપરિવર્તન કરવામાં આવે છે. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સનું ઉદાહરણ ટાંકયું હતું. દલિતોને ધર્મપરિવર્તન કરાવતાં હોવાના આરોપસર ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બાળકોને ગાડીમાં લોક કરી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું.
બેચલેટે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સંસ્થાઓ મોદી સરકારની માનવ અધિકારો સંબંધી કામગીરી પર નજર રાખી રહી છે. મોદી સરકાર દ્વારા લાગુ કરતાં પગલાંની સામાજીક સ્તરે થતી હકારાત્મક અને નકારાત્મક અસરોની સમીક્ષા કરવામાં આવે છે. તેમણે ભારત સરકારને વિનંતી કરી હતી કે, એફસીઆરએમાં કરવામાં આવેલા કાયદાકીય સુધારાની આંતરરાષ્ટ્ર્‌ીય માનવ અધિકારોના મૂલ્યો મુજબ સમીક્ષા કરવામાં આવે. સીએએનો વિરોધ કરવા બદલ દેશ વિરોધી કાયદા બદલ ધરપકડ કરાયેલા લોકોની મુક્તિ માટે પણ તેમણે માંગણી કરી હતી. બેચલેટે ભારતની સુપ્રીમ કોર્ટના તે આદેશને પણ આવકાર્યો હતો જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, લોકોની મદદ માટે વિદેશી ભંડોળ મેળવવાના એનજીઓના અધિકારો પર તરાપ મારી શકાય નહીં. તેેમણે જણાવ્યું હતું કે, હું સુપ્રીમ કોર્ટના આ નિર્દેશને પ્રોત્સાહન આપું છું. કોર્ટનો આ હુકમ સામાજિક અને કાયદાકીય માળખાને મજબૂત કરનારો છે. જેથી સામાજીક સંગઠનો મુક્તપણે કામ કરી શકે અને વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે.