(એજન્સી) વોશિંગ્ટન ,તા.૧૮
દેશમાં નાગરિકતા કાયદામાં સુધારા સામે થઇ રહેલા વિરોધ પ્રદર્શન પર અમેરિકાનો સૂર સખત થઇ રહ્યો છે. અમેરિકાએ લોકોના શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના અધિકારોનું રક્ષણ કરવાની ભારતને સલાહ આપી છે. ચાર દિવસ પહેલા અમેરિકાએ ધાર્મિક રીતે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો ભારતને આગ્રહ કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે ભારતે પોતાના બંધારણીય અને લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા જોઇએ. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ વોશિંગ્ટન ડીસીમાં જારી કરવામાં આવેલા એક નિવેદનામાં જણાવ્યું હતું કે અમે નાગરિકતા સુધારા કાયદાના સંદર્ભમાં સર્જાઇ રહેલી ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. અમે સરકારને લોકોના શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાના અધિકારોનું રક્ષણ કરવાનું કહ્યું છે. અમે પ્રદર્શનકારીઓને પણ હિંસાથી બચવાનો આગ્રહ કર્યો છે. સમગ્ર દેશમાં નાગરિકતા સુધારા કાયદા સામે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ નવા સુધારેલા નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમેરિકા તરફથી આ નિવેદન આવ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગે ૧૩મી ડિસેમ્બરે કહ્યું હતું કે અમેરિકા અને ભારતના લોકતાંત્રિક સિદ્ધાંતોમાં ધાર્મિક સ્વતંત્રતાનો આદર અને બધાની સાથે સમાન વ્યવહાર મૂળભૂત સિદ્ધાંત છે. અમેરિકાએ ભારતના બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોને ટાંકીને ભારત પર દબાણ કરી રહ્યું છે.