(એજન્સી)
નવી દિલ્હી, તા. ૭
ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો મયાવતી સામે વ્યંગ કરતા કહ્યું હતું કે, તેઓ પોતાનો માર્ગ ગુમાવી બેઠા છે. તેમણે એવું પણ કહ્યું કે, બધાએ સમાનતા લાવવા માટે સમાજના વિશાળ હિત માટે કામ કરવું પડશે. દલિતોની હાલત માત્ર ભાષણોથી બદલાશે નહીં પરંતુ સત્તામાં તેમની ભાગીદારી વધવી જ જોઇએ. એક ઇન્ટરવ્યૂમાં ચંદ્રશેખરે કહ્યું કે, દેશમાં લઘુમતી, દલિતો અને પછાત લોકોના સભ્યોને નિશાન બનાવાય છે. તેમના અધિકારો પાછા લઇ લેવાય છે. આપણા કાર્યકરો ઇચ્છે છે કે, રાજકીય સત્તામાં તેમની સરખી ભાગીદારી હોવી જોઇએ. આને ધ્યાનમાં રાખી ૧૫મી માર્ચે આપણે નવી પાર્ટી રચવા જઇ રહ્યા છીએ. આમાં દલિતોના મુદ્દા ઉઠાવાશે. બહુજન સમાજ માટે માત્ર ભાષણો કામ કરશે નહીં બધાએ તેમની તરફેણમાં અવાજ ઉઠાવવો પડશે. તેમણે સત્તામાં ભાગીદાર બનવું પડશે.
બીએસપીના સવાલ પર તેમણે કહ્યું કે, અમે કોઇના વિકલ્પ તરીકે આગળ વધતા નથી. કરોડો મુસ્લિમો, દલિતો, પછાત વર્ગના સભ્યો તથા લઘુમતીઓને જુઓ. અમારે તેમના હિતોનું રક્ષણ કરવાનું છે. રાજ્યમાં અમારૂં મોટું સંગઠન છે. અમારૂં ભારત બંધ પણ સફળ રહ્યું હતું. તેમની પાર્ટી બન્યા બાદ ૨૦૨૨ની ચૂંટણી માટે કઇ પાર્ટી સાથે ગઠબંધન થશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યારે અમે પોતાની પાર્ટી બનાવવા જઇ રહ્યા છીએ ત્યારે કોઇની સાથે ગઠબંધનની જરૂર નથી. અમારી પાર્ટી કેટલાક સિદ્ધાંતો પર રચાશે. જેમને સારૂં લાગે તેઓ અમારી સાથે આવશે. યોગી સરકારના પૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભર સાથેની વાતચીત અંગે તેમણે કહ્યું કે, રાજભર વિવાદાસ્પદ વ્યક્તિ નથી. તેઓ મોટા પછાત નેતા છે. તેઓ વિધાનસભામાં પણ પછાતો માટે અવાજ ઉઠાવે છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે પણ તેમણે અમારૂં સમર્થન કર્યું હતું. અમે ભાજપને કઇ રીતે રોકવો તે અંગેની વાત કરી અને ભાજપના ફરી સત્તામાં આવવાથી રોકવા માટે કયા પગલાં લેવા જોઇએ તેની ચર્ચા કરી હતી.પોલીસથી બચવા અંગેના સવાલ અંગે તેમણે કહ્યું કે, આ સવાલ પોલીસને જ પૂછો. શું મેં કોઇ કાયદો તોડ્યો છે? શું આ દેશનો નાગરિક નથી? યોગી સરકારમાં ભાષણોની કોઇ આઝાદી નથી. આ કેન્દ્ર સરકારના ઇશારે થઇ રહ્યું છે. અમે ફક્ત તેનો વિરોધ કરી રહ્યા છીએ. સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે તેમણે કહ્યું કે, અમે વિરોધ પ્રદર્શન કરીશું નહીં કારણ કે સરકાર આ ઇચ્છતી નથી. અમારા માટે કોઇ પણ ખોટા કાયદાનો વિરોધ કરાશે. આ ધર્મનિરપેક્ષ દેશ છે. જો ભારતના બંધારણ વિરૂદ્ધ કાંઇપણ થાય તો અમે તેનો વિરોધ કરીશું. વિરોધ કરવા માટે અમારે સરકારને પૂછવાની જરૂર નથી. ધર્મના આધારે કાયદા બનવવાની મંજૂરી ના મળવી જોઇએ.