(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
ગયા વર્ષે ડિસેમ્બરમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધ દરમિયાન જામિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે જામિયા મિલિયા ઇસ્લામીયાના એક વિદ્યાર્થી ની ધરપકડ કરી છે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે શાહીન બાગમાં અબુલ ફઝલ એન્ક્‌લેવનો રહેવાસી આસિફ ઇકબાલ તન્હા સ્ટુડન્ટ્‌સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય છે અને તે જામિયા કોઓર્ડિનેશન કમિટીનો પણ સભ્ય છે જેણે નવા નાગરિકત્વ કાયદા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ ૧૬ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ જામિયા પોલીસ સ્ટેશન હેઠળ ના જામિયા વિસ્તારમાં થયેલા રમખાણોના કેસ સંદર્ભે કરવામાં આવી છે, જેમાં તેનું નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરે, સુધારેલા નાગરિકત્વ અધિનિયમ વિરુદ્ધ યોજાયેલ પ્રદર્શન દરમિયાન જામિયા મીલીયા ઇસ્લામીયા નજીક ન્યુ ફ્રેન્ડ્‌સ કોલોનીમાં પોલીસ સાથે અથડામણ થતાં પ્રદર્શન કારીઓએ ચાર બસો અને બે પોલીસ વાહનોને આગ ચાંપી હતી, પોલીસ સાથે થયેલ સંઘર્ષમાં વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ અને ફાયર ફાઇટર્સ સહિત ઓછામાં ઓછા ૪૦ લોકો ઘવાયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આસિફ જામિયા સંકલન સમિતિનો મુખ્ય સભ્ય છે જે સમિતિએ ડિસેમ્બર ૨૦૧૯ માં જામિયામાં વિરોધ પ્રદર્શન અને રમખાણો યોજવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી., તે ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ, મીરાન હૈદર અને સફૂરા ઝરગરનો નજીકનો સાથી છે, જે સીએએ વિરોધી વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ થયેલા રમખાણોના મુખ્ય આયોજક હતા. જામિયા વિદ્યાર્થીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે તેને ૩૧ મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો.