દેશના જુદા જુદા ભાગોમાં નાગરિક સુધારા કાનૂનની સામે થઇ રહેલી વિરોધ પ્રદર્શનની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ નાગરિકતા સુધારા અધિનિયમને સમર્થન આપવા માટે આજે  ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં કાર્યક્રમો અને રેલીઓ યોજી હતી જેમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા.  મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ આ સંદર્ભે સંબોધન કરતા કહ્યું હતું કે, લોકો આને સમર્થન આપે તેવી અમારી અપીલ છે. નાગરિકતા સુધારા કાનૂન શરણાર્થીઓને સન્માન આપવા સાથે સંબંધિત છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ અપનાવીને દેશને તોડવાનું કામ વર્ષોથી કરી રહી છે. તેમણે ખાતરી આપતા કહ્યું હતુંકે, બિલથી ભારતમાં રહેતા મુસ્લિમ નાગરિકોને કોઇપણ અસર થશે નહીં.  કોંગ્રેસને જવાબ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં નાગરિકોને ઝડપથી નાગરિકતા આપવાના કાર્યની ગુજરાત સરકારે શરૂઆત કરી દીધી છે.