(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામે CAA, NRC અને NPRના કાળા કાયદાના વિરોધમાં મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ઉપસ્થિત દલીત મુસ્લિમ આગેવાનોએ તમામ લોકોને સવિનય કાનૂન ભંગ દ્વારા સર્વસંમતિથી એકી અવાજે આ કાળા કાયદાનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી. આ મીટિંગમાં મુસ્લિમ સમાજના તમામ અકીદાના આગેવાનો, તમામ જમાતોના અગ્રણીઓ એકમંચ પર ભેગા થયા હતા અને ખભેખભા મેળવી આ કાયદા વિરૂદ્ધ શાંતિપૂર્ણ રીતે અભિયાન ચલાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામે CAA, NRC અને NPRના વિરોધમાં એક જાહેરસભાનું આયોજન સાબરકાંઠા મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સભામાં કેશરપુરા તેમજ આજુબાજુના નાના-નાના ગામડાઓમાંથી સામાજિક તેમજ ધાર્મિક આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાતના આગેવાન ખાદીમ લાલપુરીએ ઉપસ્થિત જન મેદનીને પોતાના વિસ્તારોમાં આ કાળા કાયદા બાબતે લોકોને જાગૃત કરવા અને સંગઠિત થઈને અભિયાનને મજબૂત કરવા હાકલ કરી હતી. ભીમઆર્મીના દલિત આગેવાન રમેશચંદ્રએ સભાને સંબોધન કર્યું હતું અને આંદોલનને દલિત મુસ્લિમ એકતા તરીકે પ્રસ્થાપિત કરવા મહેનત કરવા અને સાથે મળીને લડાઈ લડવા કટિબદ્ધતા જાહેર કરી હતી. સભાને સંબોધન કરતા તારિક બાંડીએ કાળા કાયદાની સમજ અને એનાથી પડનારી અસર ઉપર પ્રકાશ પાડી વસ્તી ગણતરી અને દ્ગઁઇનો તફાવત સમજાવી લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરી દ્ગઁઇનો શાંતિપૂર્ણ બહિષ્કાર કરવા અપીલ કરી હતી. ઉપસ્થિત જન મેદનીને સંબોધન કરતા ડોક્ટર ઇફતીખાર મલેકે જણાવ્યું, આ કાયદો આપણી આવનારી પેઢીને ગુલામ બનાવવાનો પ્રયાસ છે અને એ વાતને સમજી એની સામે સંગઠિત થઈ અસહકારનું આંદોલન ચલાવવા અપીલ કરી હતી. મૌલાના મોહસીન અલીમીએ પોતાના વક્તવ્યથી સાબિત કર્યું હતું કે, આ એક સાજીશ છે, સુના જંગલ રાત અંધેરી છાઈ બદલી કાલી હૈ, સોને વાલો જાગતે રહિયો, ચોરો કી રખવાલી હૈ અને આ ચાલમાં કોઈપણ બહાને ફસાવવાના પ્રયાસો થાય એને નિષ્ફળ બનાવવા કાગળ નહીં બતાવવા અને માહિતી પણ નહીં આપવા અનુરોધ કર્યો હતો. મૌલાના અશરફે ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ એક લાંબી લડાઈ છે જેને ધીરજથી હિંમત રાખીને લડવી પડશે. મસ્જિદના ઇમામોને લોકોમાં જાગૃતિ લાવવા માટે સક્રિય થવા અપીલ કરી હતી. આ સભામાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી મેમ્બર્સ શોએબભાઈ ઝાઝ અને સલીમભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં સામાજિક તેમજ ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા અને સર્વસંમતિથી એકી અવાજે NPRનો બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. કેશરપુરા તેમજ એની આજુબાજુની તમામ જનતા NPR સામે અસહકારનું આંદોલન ચલાવશે, એવી સૂર ઉઠ્યો હતો.