(એજન્સી) લખનઉ, તા. ૧૭
ઉત્તરપ્રદેશમાં સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન હિંસામાં સંપત્તિને થયેલા નુકસાનના વળતર માટે યોગી સરકારના વસૂલીના આદેશ પર ઇલાહાબાદ હાઇકોર્ટે રોક લગાવી છે. સોમવારે એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે નુકસાનના વળતર માટે વસૂલી નોટિસ પર રોક લગાવી હતી. ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ પંકજ નકવી અને જસ્ટિસ એસએસ શમશેરીની પીઠે ગત ડિસેમ્બરમાં સીએએ વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન અંગે એડીએમ સિટી કાનપુર દ્વારા બહાર પડાયેલા વસૂલી નોટિસ વિરૂદ્ધ દાખલ કરાયેલી એક અરજી પર નિર્ણય સંભળાવતા આગામી આદેશ સુધી રોક લગાવી છે. આ અરજી કાનપુરના મોહંમદ ફૈઝાન દ્વારા દાખલ કરવામાં આવી હતી અને અરજીમાં ૪ જાન્યુઆરીએ કાનપુરના એડીએમ સિટી દ્વારા બહાર પડાયેલી નોટિસને પડકારાઇ હતી. અરજીમાં આરોપ મુકાયો છે કે, જાહેર સંપત્તિને નુકસાન મામલે સુપ્રીમ કોર્ટે દ્વારા ગાઇડલાઇન નક્કી કરાઇ છે જેનું યોગી સરકારે પાલન કર્યું નથી. અરજીમાં કહેવાયું છે કે, ગાઇડલાઇન અનુસાર જાહેર સંપત્તિને નુકસાનના આકલનનો અધિકાર હાઇકોર્ટના કોઇ ચાલુ અથવા સેવાનિવૃત્ત જજ કે પછી જિલ્લા જજ હોઇ શકે છે અને તેમને જ નોટિસ જારી કરવાનો અધિકાર છે. એડીએમ સિટીને આ પ્રકારની નોટિસ જારી કરવાનો કોઇ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે, સંશોધિત નાગરિકતા કાયદા વિરૂદ્ધ ડિસેમ્બર ૨૦૧૯માં ઉત્તરપ્રદેશમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન અનેક સ્થળો પર હિંસા થઇ હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણની વિવિધ ઘટનાઓમાં વિવિધ શહેરોમાં ૧૫થી વધુ લોકોનાં મોત થયા હતા. પ્રદર્શન વિરૂદ્ધકાર્યવાહી કરતા પોલીસે વિવિધ શહેરોમાં સેંકડો લોકોની ધરપકડ કરી હજારો લોકોને હિરાસતમાં લીધા હતા. આ ઉપરાંત પ્રદર્શનોનો કચડવા માટે યોગી સરકારે જાહેર સંપત્તિને નુકસાનનું વળતર પ્રદર્શનકારીઓ પાસેથે લેવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ લોકોને યોગી સરકાર પાસેથી આડેધડ નોટિસો મળી હતી. ઘણા લોકોને તો લાખો રૂપિયાની નોટિસ અપાઇ હતી. નોટિસમાં કહેવાયું હતું કે, જો દંડ નહીં ભરો તો તમારી સંપત્તિ જપ્ત કરી લેવામાં આવશે.