(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૯
સુપ્રીમ કોર્ટ દ્વારા શાહીનબાગના દેખાવોને અન્યત્ર ખસેડવાના પ્રયાસના ભાગરૂપે ત્રણ મંત્રણાકારની નિમણૂંક કર્યા બાદ આંદોલનકારીઓએ કહ્યું છે કે, અન્ય વિસ્તારમાં ખસેડવાથી આંદોલન નબળું પડી શકે છે. એક દેખાવકાર નદીમખાને કહ્યું કે, માર્ગને અવરોધવાનું મુખ્ય કારણ સરકાર પર દબાણ કરવા માટે હતું પણ જો અમારે અજાણ્યા સ્થળે જવું પડે તો આ જ રીતે અમે અમારી માગો માટે દબાણ કરી શકીશું કે કેમ તે અંગે વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સરકારને કહી શકે કે તે પ્રદર્શનકારીઓ પાસે જાય અને માર્ગને ખાલી કરવાનું કહેવાને બદલે તે તેમન માગો સાંભળે. દિલ્હી આઇઆઇટીના વિદ્યાર્થી આસિફ મુજતબાએ કહ્યું કે, ધરણા પ્રદર્શન દ્વારા શાંતિપૂર્ણ રીતે સરકાર દબાણ કરવા માર્ગ અવરોધાયા છે. જોકે, મુજતબાએ સંકેત આપ્યા કે, એવી વધારે તકો રહેલી છે કે, સુપ્રીમ કોર્ટના આદેશને કારણે શાહીનબાગના દેખાવકારો અન્યત્ર જઇ શકે. મુશ્કેલીનો ઉકેલ એ હોઇ શકે કે દેખાવકારો માર્ગની એક તરફ ખસી જાય અને તેમનું આંદોલન માર્ગની બીજી બાજુ ચાલુ રાખે. અમને એ વાતનો ગર્વ છે કે, સુપ્રીમે એટલું તો કહ્યું કે, વિરોધ કરવાનો અમારો અધિકાર છે અને અમને આંદોલન બંધ કરવા ના કહ્યું પરંતુ જગ્યા બદલવા કહ્યું. બીજી તરફ અમને એવો પણ ભય છે કે, દિલ્હી પોલીસ હંમેશા અમને કહે છે કે, શાહીનબાગના દેખાવકારો મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવે છે જ્યારે બીજી બાજુ આંદોલન જશે તો પોલીસ કાંઇ પણ કરી શકે છે.