(એજન્સી) તા.ર૭
ભાજપ શાસિત રાજ્યોમાં સીએએ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો વિરૂદ્ધ બળપ્રયોગ ન કરવાની ચેતવણી આપતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે કોઈપણ પ્રકારની ધમકી અને દબાણ સામે ઝૂકયા વગર તેમનો આંદોલન ચાલુ રાખે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, ભાજપ શાસિત રાજ્યોમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં આંદોલનને કચડવા માટે નિર્દયતાથી બળપ્રયોગ કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિ બળપ્રયોગ કરી લોકોને ભયભીત કરવાનો પ્રયત્ન કરશે તો આ દેશના લોકો અને બંગાળના લોકો આંદોલનનું સમર્થન કરશે. હું ભાજપને જણાવવા માંગું છું કે, આ આંદોલનને બળપૂર્વક કચડવાનો પ્રયત્ન ન કરવામાં આવે. તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે, લોકોના અધિકારોના રક્ષણ માટે આંદોલન ચાલુ રહેશે ભલે પછી તેના માટે જીવ પણ ગુમાવવો પડે. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને કારકિર્દી બરબાદ કરી નાંખવાની ધમકી આપવામાં આવે છે પરંતુ તેમણે આ પ્રકારની ધમકીઓ સામે ઝૂકયા વગર વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવા જોઈએ.