(ધોળકાના અરણેજ નજીક જેની હત્યા કરાઈ તે સરફરાઝ મનસુરીની કાર સાથેની તસવીર)

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા. ર૩
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઝલક એપાર્ટમેન્ટ સામે અલ્ફા ડુપ્લેક્ષમાં રહેતા સરફરાજ મનસુરી નામના યુવાનની ધોળકાના સરણેજ ગામની સીમમાંથી લાશ મળતા ચકચાર મચી છે. કાલુપુરથી મુસાફરોને લઈને બગોજરા જવા નિકળેલા આ યુવાનની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું અનુમાન છે. કારણ કે, હત્યા બાદ હત્યારાઓ ગાડી અને માબાઈલ લઈને ફરાર થઈ ગયા છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં સરફરાજ મનસુરીના ભાઈ સમીરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો નાનોભાઈ સરફરાજ તા. ર૧-૮-ર૦૧૮ના રોજ મારૂતી સ્વીફ્ટ ડીઝાયર કાર લઈને ગયો હતો. તે ઉબેર કેબમાં પસેન્જર ફેરવતો હતો ર૮મીએ રાત્રે સરફરાજના પિતાએ તેના ભાઈ સમીરને ફોન કરી જણાવ્યું હતું કે, સરફરાજ હજી સુધી ઘરે આવ્યો નથી અને તેનો ફોન પણ બંધ આવે છે ત્યારબાદ સમીરે તેના મિત્રો સગા સંબંધી વગેરેને ત્યાં તપાસ કરતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.
દરમિયાન ગત સાંજે સરફરાજના મિત્ર ઈમરાન મનસુરીએ ગત સાંજે સમીરને જણાવ્યું હતું કે, ગત સાંજે આઠેક વાગ્યે સરફરાજને મે ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, કાલુપુરથી બગોદરાથી પેસેન્જર વર્ધી મળી હોવાથી બગોદરા જાઉં છું. ત્યારબાદ સરફરાજની ગૂમ થયાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. આ દરમિયાન ગતરાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ કોઠ પોલીસ સ્ટેશનથી સમીર પર ફોન આવ્યો હતો અને સરફરાજ વિશે પૂછપરછ કરી હતી અને જણાવ્યું હતું કે, અરણેજ ગામની સીમમાંથી લાશ મળી છે જે કોઠ સરકારી દવાખાને છે ઓળખ કરી લઈ જાવ, આથી સમીર અને તેના સંબંધીઓએ કોઠ જઈ લાશની ઓળખ કરી હતી. લાશ જોતા સરફરાજ મનસુરીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા કરી અડધું ગળું કાતી ખૂન કરી નાખ્યાનું જણાયું હતું. ઉપરાંત સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કાર, મોબાઈલ ફોન, પર્સ સહિત રૂા. ૬ લાખની લૂંટ થયાનું જણાયું હતું.
આ ફરિયાદના આધારે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.