(એજન્સી) તા.૧ર
ઇરાકમાં અનબાર પ્રાંતમાં પશ્ચિમ શહેર હીત સ્થિત એક કેફેમાં આત્મઘાતી હુમલામાં ૧૧ લોકોનાં મોતના સમાચાર મળ્યાં છે. ઇરાકી અધિકારીઓએ આ જાણકારી આપી હતી. શહેરના સુરક્ષા બ્યૂરોએ જણાવ્યું કે કેફેમાં ગઇકાલે આત્મઘાતી હુમલાખોર દ્વારા વિસ્ફોટકથી પોતાને ઉડાવી દેવાની ઘટનામાં ૧પ અન્ય લોકો પણ ઘવાયા છે. તમામ પીડિતોમાં સામાન્ય નાગરિકો જ સામેલ છે. તેમણે જણાવ્યું કે હાલમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળે સુરક્ષાદળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ઇરાકી સુરક્ષાદળ રણવિસ્તારમાં અનબાર પ્રાંતના પશ્ચિમી ભાગમાં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ સાથે બાથ ભીડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદીએ બુધવારે આ ચાલુ વર્ષે દેશને આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટથી સંપૂર્ણપણે મુક્ત કરાવવાની જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યાનુસાર અબાદીએ ટેલિવિઝન પર પ્રસારિત એક પત્રકાર સંમેલનમાં આઇએસ વિરુદ્ધ ઇરાકી સુરક્ષાદળોના વિજયની ભરપૂર પ્રશંસા કરી હતી અને મિશ્રિત જાતિવાળા કિરકુક પ્રાંતના હાવીજામાં ચલાવેલા અંતિમ અભિયાનની પણ ભરપૂર પ્રશંસા કરી હતી.