(એજન્સી) ઓટ્ટાવા, તા. ૨૩
કેનેડામાં ઇદ-ઉલ-અઝહાની ઉજવણી પહેલી સપ્ટેમ્બરના શુક્રવારે કરાશે તેમ એક યાદીમાં જણાવાયું હતું. બ્રામ્પટન ઇસ્લામિક સેન્ટર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ સંગઠને કેટલીક જાહેરાતો પણ કરી હતી જેમાં શુક્રવારનો દિવસ કામકાજનો હોવાને કારણે મુસ્લિમો માટે દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા. મુસ્લિમોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે, તેઓ કોઇ પણ બિઝનેસ સેન્ટર નજીક પોતાના વાહનો પાર્ક ન કરે જેથી અન્ય લોકોને અડચણ થાય. ઇદ ઉલ અઝહાની નમાઝ પહેલા ૩૦ મિનિટ અગાઉ જ લોકોને મસ્જિદોમાં પહોંચી જવા માટે આહ્‌વાન કરાયું હતું. અહીં નમાઝના વિવિધ સમય જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નમાઝ સવારે ૭.૦૦, બીજી નમાઝ સવારે ૮.૩૦ અને ત્રીજી નમાઝ સવારે ૧૦.૦૦ કલાકે રાખવામાં આવી હતી જેથી કોઇ અડચણ ઊભી ન થાય.