(એજન્સી) ટોરેન્ટો, તા.રપ
કેનેડાના ઓન્ટારીઓ પ્રાંતમાં આવેલ એક ભારતીય રેસ્ટોરંટમાં બે અજાણ્યા શખ્સોએ વિસ્ફોટકો ગોઠવી કરેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧પ લોકો ઘવાયા હતા. જેમાંના ૩ને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને ટોરેન્ટાના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. તેમ કેનેડાના સીબીસી રિપોર્ટમાં કહેવાયું છે. પોલીસે કહ્યું કે, આ ઘટના અત્રેથી ર૮ કિમી દૂર મીસીસીઉગા ખાતે આવેલ બોમ્બે ભેલ નામની એક ભારતીય રેસ્ટોરંટમાં બની હતી. મીસીસીઆઉગા કેનેડાનું છઠ્ઠા નંબરનું મોટું શહેર છે. ૧પ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. બે શકમંદો હોટલમાં બોમ્બ મૂકી ભાગી ગયા હતા. તરત જ ધડાકો થયો હતો. પોલીસે કહ્યું કે શકમંદો કાળુ જીન્સ પહેરી માથે બેઝબોલ કેપ પહેરી આવ્યા હતા. બીજો આરોપી વાદળી જીન્સ અને ટી-શર્ટ પહેરી આવ્યો હતો. જેમના મોઢા કપડાથી ઢાંકેલા હતા. પોલીસે શકમંદોને પકડવા માટે સીસીટીવી ફૂટેજની મદદ લીધી છે. હુમલાના ઈરાદાની તપાસ થઈ રહી છે. ધડાકાના સ્થળને સીલ કરાયું છે.