(એજન્સી) તા.૨
કેનેડામાં ભારતીય પ્રવાસીઓની હાજરી મોટી સંખ્યામાં જોવા મળે છે અને આ કારણે જ ત્યાં નાગરિકતા સુધારા કાયદા તથા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનનો પણ ત્યાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યાં ખાસ કરીને પંજાબીઓની વસતી વધુ છે. ત્યાં શીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં મળી આવે છે. જોકે અન્ય સમુદાયના લોકોની વાત કરીએ તો શીખ સમુદાયની તુલનાએ તેમની હાજરી થોડીક ઓછી છે. ૨૦ ડિસેમ્બરના રોજ વાનકુવર અને ટોરન્ટોમાંમાં પણ ભારતીય કોન્સ્યુલેટને નિશાન બનાવીને દેખાવો કરવામાં આવ્યા હતા. જોકે તેના પછી ૨૨ ડિસેમ્બરે વાનકુવર સહિત સુરે અને કલગરીમાં પણ દેખાવો કરાયા હતા. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિદ્વાનો માર્ગો પર ઊતરી આવ્યા હતા અને તેઓએ સીએએ તથા એનઆરસી વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
કેનેડામાં સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદાને રદ કરવા માટે ત્યાં ઓનલાઇન પિટિશન પર હસ્તાક્ષર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યાં યુનવર્સિટી ઓફ ઓટ્ટાવાના વિદ્યાર્થીઓ આ મામલે વિરોધ કરી રહ્યાં છે. આ દરમિયાન ૧૯ ડિસેમ્બરના રોજ જ વાનકુવરમાં આવેલી બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ ભારે દેખાવો કર્યા હતા અને રેલીનું આયોજન કર્યુ હતું.
જોકે આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે મુખ્યધારાના રાજકીય પક્ષો પણ આ મામલે સમગ્ર ભારતમાં શું રહ્યું છે તેના પર અવાજ ઊઠાવી રહ્યાં છે. ન્યૂ ડેમોક્રેટિક વિપક્ષી પાર્ટીના નેતા જગમીત સિંહે કહ્યું હતું કે અમે નાગરિકતા કાયદાનો વિરોધ કરીએ છીએ. તેમની એક ટિ્‌વટ પણ વાઈરલ થઇ હતી. જેમાં તે કહે છે કે ભારત સરકારનો નવો કાયદો મુસ્લિમ પ્રત્યે સ્પષ્ટપણે ભેદભાવ કરે છે અને અન્ય લઘુમતી સમુદાયને પણ તેના માધ્યમથી નિશાન બનાવવામાં આવશે. આ ખોટું છે અને તે ટીકાને પાત્ર છે. જ્યારે નફરત વધી રહી છે ત્યારે લોકોને વિભાજિત કરવાને બદલે સરકારે લોકોને એકજૂથ કરવાની કામગીરી કરવાની જરૂર છે.