(એજન્સી) ઓટાવા, તા.૧૧
અમેરિકાના એરપોર્ટ પર સુરક્ષા તપાસની અનેક વખત ટીકાઓ થઈ ચૂકી છે, તેમ છતાં અપમાનિત રીતે તપાસનો સિલસિલો બંધ થતો નથી. હવે અમેરિકાના એક એરપોર્ટ પર કેનેડાના શીખ પ્રધાનની પાઘડી ઊતરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. કેનેડાએ જણાવ્યું છે કે આ સંદર્ભમાં હવે તે અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવશે.
દરમિયાન અમેરિકાના એરપોર્ટ પર કેનેડાના આ શીખ પ્રધાનની પાઘડી ઊતરાવવાના કિસ્સામાં અમેરિકન અધિકારીઓએ માફી માગી લીધી છે. કેનેડાના ઈનોવેશન-સાયન્સ પ્રધાન નવદીપ બેન્સનો આક્ષેપ છે કે ગઈ સાલ ડેટ્રોઈટના પ્રવાસ દરમિયાન એરપોર્ટના સુરક્ષા કર્મીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નવદીપ બેન્સ એપ્રિલ ૨૦૧૭માં મિશિગનના ગવર્નર રિક સ્નાઈડર અને અન્ય અધિકારીઓને મળ્યા બાદ ડેટ્રોઈટથી કેનેડા જઈ રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓએ બેન્સને પાઘડી ઉતારીને તપાસ કરાવવા જણાવ્યું હતુંં. અત્રે ઉલ્લેખનીય છે કે બેન્સ મેટલ ડિટેક્ટર અને સેકન્ડરી સ્ક્રીનિંગ ટેસ્ટમાંથી પસાર થઈ ચૂક્યા હતા અને ફ્લાઈટમાં બોર્ડિંગ કરવાના જ હતા. બેન્સે જણાવ્યું હતુંં કે મારી પાઘડી ઉતારવાનું કહેવું એ વસ્ત્રો ઉતારવાનું કહેવા સમાન જ છે. કેનેડાએ અમેરિકાને આ અંગે ફરિયાદ કર્યા બાદ અમેરિકન અધિકારીઓએ ફોન કરીને માફી માગી હતી. બેન્સે ક્યુબેકના અખબાર લા પ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંં કે આ અનુભવ બાદ હું અસહજ થઈ ગયો હતો.