(એજન્સી) મુંબઇ, તા.૫
પાકિસ્તાન સાથેના ૧૯૬૫ના યુદ્ધના દિવસોમાં શીખ રેજિમેન્ટના અગ્રણીઓ અમરિન્દરસિંહ વિશે એવું કહેતા હતા કે કેપ્ટનથી આગળ ક્યારેય જશો નહીં નહિંતર તમે મુશ્કેલીમાં પડી શકો છો. સામાન્ય રીતે સરળ અને હળવી રીતે બોલતા કેપ્ટન અમરિન્દરસિંહ જ્યારે કોઇ લાઇન ક્રોસ કરે ત્યારે સિંહની જેમ ગર્જના કરવાનું પણ જાણે છે. પંજાબના ગુરદાસપુરમાં યોજવામાં આવેલી એક રાજકીય રેલીમાં વડાપ્રધાને ઉશ્કેરણીજન પ્રવચન આપ્યું હતું. મોદીની રેલીનો ઉલ્લેખ કરતા કેપ્ટન અમરિન્દરસિંહે જણાવ્યું કે ‘જુમલેબાજ’ વડાપ્રધાને પોતાની છેતરામણી અને ઉપજાવી કાઢેલી વાતોથી દેશને નીચલા સ્તરે પહોંચાડી દીધો છે. તેમણે વડાપ્રધાન મોદીને દગા અને ખોટી માહિતીના માસ્ટર તેમ જ જુમલેબાજ ગણાવ્યા છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન કેવી રીતે આવું જુઠ્ઠું બોલી શકે છે. તેમણે કહ્યું કે ૧૯૮૪ના હુલ્લડો અને ખેડૂતોની લોન માફીથી માંડીને કરતારપુર કોરિડોર અને કેફી પદાર્થો સામેની લડાઇ સહિત પ્રત્યેક મુદ્દા અંગે નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાને જણાવ્યું કે ગુરદાસપુરની રેલીમાં મોદીના પ્રત્યેક નિવેદનમાં સાચી હકીકતોને ખોટી અને વિકૃત રીતે રજૂ કરવામાં આવી છે. વડાપ્રધાન ખોટા દાવાઓ કરીને યશ ખાટવા તેમ જ કોંગ્રેસને બદનામ કરવાના પ્રયાસમાં લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.