(એજન્સી) બેનગાઝી, તા.રપ
ગુરૂવારે રાત્રે બેનગાઝીના પૂર્વીય લિબિયન શહેરની મધ્યમાં આવેલી વ્યસ્ત શેરી પર કાર બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ૭ લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે, તેમ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું. ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલી શહેરની સૌથી મોટી હોટલ તિબેસ્ટીની પાછળના ભાગમાં આવેલી શેરીમાં આ હુમલો થયો હતો. મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન લોકોએ ઈફતારી કરી લીધા બાદ અચાનક આ કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જો કે આ કાર બોમ્બ હુમલા વિશે તાત્કાલિક ધોરણે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. આ હુમલામાં શેરીમાં આવેલી દુકાનો પાસે પાર્ક કરેલી આઠ જેટલી ગાડીઓનો નાશ થયો હતો. બેનગાઝી એ લિબિયાનું બીજું મોટું શહેર છે કે જેના પર લિબિયન રાષ્ટ્રીય લશ્કર (એલએનએ) દ્વારા કબજો કરવામાં આવ્યો છે. આ પ્રમુખ દળોનું નેતૃત્વ કમાન્ડર ખલીફા હફતાર દ્વારા કરવામાં આવે છે. એલએનએ દ્વારા ઈસ્લામિસ્ટો સાથે યુદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા સાથે સંકળાયેલા લોકો ઉપરાંત અન્ય વિરોધીઓ સાથે લડાઈ લડે છે. તેઓએ શહેરની સુરક્ષામાં સુધારો પણ કર્યો છે છતાં પણ આ વર્ષની શરૂઆતમાં બે મસ્જિદોમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેને પગલે ૩પ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.