રાજકોટ, તા.૬
શહેરની ભાગોળે માધાપર ચોકડી નજીક બેકાબૂ બનેલા ઓડી કારના ચાલકે ટ્રાફિક વોર્ડનને ઉલાળ્યો હતો. વોર્ડનને ઠોકરે લીધા બાદ કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇને ઊભી રહી ગઇ હતી. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.
જંક્શન પ્લોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતો અને ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતો એજાઝહુસેનભાઈ રઝવી (ઉ.વ.૩૨) સોમવારે રાત્રે ૧૦ વાગ્યે માધાપર ચોકડી પોઇન્ટ પર પોતાની ફરજ પૂરી કરી ઘરે જવા માટે રિક્ષાની રાહમાં ઊભો હતો ત્યારે જામનગર રોડ તરફથી ઓડી કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને વોર્ડન એજાઝ કંઇ સમજે તે પૂર્વે જ તેને ફૂટબોલની જેમ ઉલાળ્યો હતો. બેકાબૂ બનેલા ચાલકે વોર્ડનને ઠોકરે લીધા બાદ ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર નજીકમાં આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇને ઊભી રહી ગઇ હતી.
ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એજાઝને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ઓડેદરા અને પીએસઆઇ રાજદીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ટોળું બેકાબૂ બને તે પૂર્વે કારચાલક સિફતપૂર્વક સ્થળ પરથી નાસી ગયો હતો.
ઓડી જીજે ૨ બીએચ ૫૪૧૩ નંબરની કાર બેકાબૂ બની હતી. જેમાં ટ્રાફિક વોર્ડનને અડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સરાવર હેઠળ ખસેડાયો હતો. પોલીસ તપાસમાં ઓડી કાર વલ્લભ બાબરિયા નામના વ્યકિતની હોવાનું સામે આવ્યું છે. કારના માલિકનો પુત્ર સચિન બાબરિયા કાર ચલાવતો હોવાનું અને તેની સાથએ તેનો મિત્ર હોવાની પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી છે.
ટ્રાફિક વોર્ડનને ઉડાડી ઔડી કારચાલક નાસી છૂટ્યો

Recent Comments