અમદાવાદ, તા.૨૮
શહેરમાં નાગરિકોના ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાંથી રૂપિયા સેરવવવાની અવનવી તરકીબો ગઠિયાઓ અજમાવી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવા જ એક કિસ્સામાં કોન્ટ્રાકટર કારચાલક સાથે એક બાઇકચાલકે ખોટી રીતે ઝઘડો કરી તકરાર કરી હતી અને તે દરમ્યાન તેના બે સાગરિતોએ આવી કોન્ટ્રાકટરની કારમાંથી દસ લાખ રૂપિયા સેરવી રફુચક્કર થઇ ગયા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જરૂરી ગુનો નોંધી ગઠિયાઓની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં સુરોહી બંગલોઝમાં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરતાં ગીરીશભાઇ છગનભાઇ ઢોલરિયા(પટેલ)નું ગાંધીનગર સરગાસણ ગામે આવેલ ફલેટની સ્કીમમાં ઇલેક્ટ્રીકનું કોન્ટ્રાકટથી કામ ચાલતુ હતું. બે દિવસ પહેલાં ગીરીશભાઇએ કારીગરોને દિવાળીનો તહેવાર નજીકમાં આવતો હોવાથી પેમેન્ટની માંગણી ડેવલપર્સ પાસે કરી હતી. ડેવલપર્સ માલિક દ્વારા આંગડીયા મારફતે પેમેન્ટની ચૂકવણી ગીરીશભાઇને કરાઇ હતી. જેથી ગીરીશભાઇ દસ લાખ રૂપિયા ભરેલી થેલી તેમની કારમાં મૂકીને બાપુનગરથી રવાના થયા ત્યારે નિકોલ પાસે ગીરીશભાઇની કારને એક બાઇકચાલકે ટપલી મારી ગાડી જોઇને ચલાવો તેમ કહી ઉશ્કેર્યા હતા. જેથી ગીરીશભાઇએ કાર ઉભી રાખતાં બાઇકચાલક યુવકે તેમની સાથે હાથે રહીને ખોટી રીતે ઝઘડો શરૂ કર્યો હતો. આ ઝઘડો ચાલતો હતો એ દરમ્યાન અન્ય એક બાઇક પર બેઠેલા બે શખ્સો ત્યાં આવ્યા હતા અને ગીરીશભાઇની નજર ચૂકવી તેમની કારમાંથી દસ લાખ ભરેલી બેગ લઇ રફુચક્કર થઇ ગયા હતા. પેલા શખ્સો જતાંની સાથે જ ઝઘડો કરનાર બાઇકચાલક યુવક પણ ત્યાંથી રવાના થઇ ગયો હતો. બાદમાં ગીરીશભાઇ જેવા કારમાં બેઠા કે, પૈસા ભરેલી બેગ ગાયબ હતી, જેથી તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસકંટ્રોલમાં જાણ કરી હતી. આ બનાવ અંગે બાપુનગર પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.