અમદાવાદ, તા.૧૯
દેશની સાથે રાજ્યભરમાં હાલ મોટર વ્હીકલ એકટને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ગુજરાતના વાહનચાલકોને ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા મામલે એક ખુશખબર મળી રહી છે.
ગુજરાતના વાહનચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાય ત્યારે ગીયરવાળા વાહનોમાં સૌથી મોટી તકલીફો પડતી હતી. પરંતુ રાજ્યના વાહનચાલકો માટે આજે વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે.
હવે રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે. એટલે કે, તમે લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમારી પાસે ગીયરવાળી ગાડી નહીં હોય તો પણ ચાલશે, તેના બદલામાં તમારે ઓટોમેટિગ કારનો ઉપયોગ કરી શકાશે. રાજ્યના પરિવહન વિભાગે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો સમાવેશ કરીને સૌથી મોટી જાહેરાત કરી છે. જેના કારણે હવે ઓટોમેટિક ગિયરવાળી કાર વડે હવે તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે, તેમાં તમને હવે કોઇ રોકી નહીં શકે. ફોર વ્હીલર માટેના ડ્રાઈવિંગ ટેસ્ટને લઈ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવેથી ઓટોમેટિક કારથી પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. આ ઉપરાંત, કારમાં લાગેલા રિવર્સ કેમેરાને પણ અત્યારસુધી ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન ઢાંકી દેવામાં આવતો હતો. જોકે, હવે ટેસ્ટ આપનાર પાર્કિંગ કેમેરાનો પણ ઉપયોગ કરી શકશે. બીજી તરફ પરિવહન વિભાગની બેઠકમાં એક અગત્યનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ રવિવારના દિવસે પણ ચાલુ રહેશે આરટીઓ કચેરી પર મોટર વ્હીકલ એક્ટના અમલીકરણને લઈ લોકોમાં દોડધામ જોવા મળી હતી. જેને પરિણામે લાંબી-લાંબી લાઈનો થતાં લોકોને તકલીફ ન પડે તેવા હેતુથી રવિવારે પણ આરટીઓ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.