(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
સાયણ ચેકપોસ્ટ પાસે થયેલ ત્રિપલ અકસ્માતમાં ડમ્પર ચાલકે પાછળથી એક આયશર ટેમ્પોને ટક્કર મારી હતી અને ટેમ્પાની ધડાકા સાથે આગળ ચાલતી કારને ટક્કર લાગી હતી. જેના કારણે સીએનજી કારમાં આગ લાગી ગઇ હતી. થોડી વારમાં આગ ભીષણ બની ગઇ હતી. ત્યારે ડ્રાઇવર જીવ બચાવી બહાર આવી ગયો હતો. જો કે, આગને કારણે કાર સંપૂર્ણ બળી ગઇ હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલા રાજપૂત ફળિયા નજીક મોડી રાત્રે પોણા એક વાગ્યાના આસરામાં એક હાઇવા ડમ્પર ચાલકે પાછળથી આયશર ટેમ્પોને ટક્કર મારી દીધી હતી. ત્યારે ટેમ્પો ધડાકા સાથે આગળ ચાલતી કારને ટક્કર મારી હતી. આ ત્રિપલ અકસ્માતમાં સીએનજી એસેન્ટ કારમાં તરત જ આગ લાગી ગઇ હતી. એટલું જ નહીં થોડી જ વારમાં કાર એટલી ભીષણ બની ગઇ હતી કે, આખી કારને લપેટમાં લઇ લેતા કાર ભડભડ સળગવા લાગી હતી, એટલુંજ નહીં આગના કારણે કારની નંબર પ્લેટ સુદ્વા ઓગળી ગઇ હતી. ત્યારે ડ્રાઇવર હિમાંશુભાઇ ભરતસિંહ પરમાર પોતાનો જીવ બચાવીને બહાર નીકળી આવ્યા હતા. પરંતુ તેમને ઇજાઓ થઇ હતી. જેથી તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે જાણ થતા અમરોલી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ફાયર કર્મચારીઓએ આગ ઓલાવી હતી.