જામનગર, તા.૩
જામનગર અને દ્વારકા જિલ્લામાં પાક વિમાની રાશી અને ટકાવારી જાહેર થયા બાદ ઠેર-ઠેરથી ખેડૂતોનો આક્રોશ સરકારી દફતર સુધી પહોંચી રહ્યો છે. ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાને તો સરકારની નીતિરિતીઓને પોતાની કારમાં સ્લોગન રૂપે ચિપકાવી અજાગૃત ખેડૂતોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે. ખરીફ પાકની સીઝન નુકસાન કર્તા સાબિત થતા સમગ્ર હાલારના ખેડૂતો પાક વિમાની આશાએ બેઠા હતા. બંને જિલ્લાના ખેડૂતોએ પુરતું પ્રીમિયમ ચૂકવ્યું હોવા છતાં વીમા રાશીના નામે મામુલી રકમ મંજૂર કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર હાલારમાં ખેડૂતોનો રોષ દિવસે-દિવસે પ્રબળ બની રહ્યો છે. લાલપુર તાલુકાના ભણગોર અને જામનગર તાલુકાના નાઘુના ગામના ખેડૂતોએ તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી દઈ અનોખો વિરોધ દર્શાવ્યો છે. બીજી તરફ લાલપુર તાલુકાના ખેડૂતોએ ખેડૂત સંમેલન યોજી રેલી કાઢી આવેદન પત્ર પાઠવી જરૂરી વિગતોની માંગણી કરી છે. સતત વધી રહેલા વિરોધ વચ્ચે દ્વારકા જિલ્લાના ભાણવડના ખેડૂત હિત રક્ષક સમિતિના ગીરધર વાઘેલાએ અનોખો વિરોધ વ્યક્ત કરી ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાની મહામુલી જીજે-૧૦-બીજી-૨૨૫૫ કારની ચોતરફ પાક વીમા બાબતે સરકાર અને વીમા કંપનીઓની મિલીભગતને ઉઘાડી પાડવાનો પ્રયાસ કર્યો છે. વાઘેલાએ તેની કારમાં આ સૂત્રો લાક્યા છે. જેમાં ‘પાક વીમાની ચોકીદારીના બદલે ચોકીદાર જ ચોરી કરે છે. પાક વીમો ૧૫ ટકા, પ્રીમિયમ ઉઘરાવ્યું ૪૯ ટકા પાક વીમાનું ગણિત સરકાર શા માટે છુપાવે છે ? લાચાર કિશાન, કંપની પહેલવાન, મહેરબાન ચોકીદાર. ઉત્પાદનના આકડા જાણવા ખેડૂતોનો હક્ક છે. ખેડૂત થયો પાયમાલ, વીમા કંપની માલામાલ સીધો સાદો હિસાબ, જાતે કરો……..પાક = સરેરાસ ઉપજ-હાલની ઉપજ ૧૦૦/સરેરાસ ઉપજ, સરકાર આકડા જાહેર કરે…ખેડૂત જાગે, હિસાબ માંગે, ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારકા નામે સ્લોગન છપાવી અનોખો વિરોધ શરૂ કર્યો છે.