Ahmedabad

દિવાળી બાદ સી.જી રોડ પર કાર પાર્કિંગ માટે ર૦ રૂપિયા ચૂકવવા પડશે

અમદાવાદ, તા.૩૦
તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સીજીરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરાઇ છે. હવે સીજીરોડ પર દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે, જેમાં કાર માટે રૂ. ૨૦ ચૂકવવા પડશે.
તંત્ર દ્વારા આગામી ગુરૂવાર તા.૧ નવેમ્બર, ર૦૧૮એ મળનારી સ્ટેન્ડિંગ કમિટિના એજન્ડામાં સીજીરોડ પર રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્કને લગતી દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે. આ દરખાસ્ત મુજબ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના સીજીરોડ પર બીજા ક્રમના મહત્તમ ઓફરદાર આસીફખાન પઠાણની મહત્તમ ઓફર રૂ.પ૪ લાખની માન્ય કરવાની છે. અગાઉ આ રોડ પર પે એન્ડ માટેના પ્રથમ ક્રમના મહત્તમ ઓફરદારને આનો કોન્ટ્રાક્ટ અપાનાર હતો, પરંતુ આ ઓફરદાર પાણીમાં બેસતા તેમની અર્નેસ્ટ મનીને તંત્ર જપ્ત કરી હતી. ત્યારબાદ બીજા ક્રમના ઓફરદાર સાથે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ માટે વાટાઘાટ આરંભાઇ હતી. સીજીરોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના પટ્ટા પર છેલ્લા બે મહિનાથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આઉટસોર્સિંગથી પે એન્ડ પાર્કની કામગીરી ચાલે છે. જો કે, હવે બીજા ક્રમના મહત્તમ ઓફરદાર પે એન્ડ પાર્ક માટે આગળ આવતા દિવાળી બાદ રેગ્યુલરાઇઝડ પે એન્ડ પાર્ક શરૂ કરાશે.