(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૫
બાજવા ગામનાં ૩ મિત્રો નોકરી પરથી આજે વહેલી સવારે કારમાં પરત ફરી રહ્યાં હતા ત્યારે કાર ચાલકને ઝોકું આવી જતાં વડોદરા નજીક સીસવા ગામનાં તળાવમાં કાર ખાબકી હતી. આ ઘટનામાં એક મિત્રનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બે મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
વડોદરા શહેર નજીક આવેલા બાજવા ગામમાં રહેતા ચંદ્રેશ અરવિંદભાઇ શાહ (ઉ.વ.૩૬) તેમજ તેના બે મિત્રો રાજુભાઇ અને નરેન્દ્રભાઇ કારમાં ઘર તરફ જઇ રહ્યાં હતા. દરમિયાન આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે તેઓની કાર સીસવા ગામનાં તળાવમાં ખાબકી હતી. સાવલીથી નિકળેલા કારનાં ચાલક રાજુભાઇને સીસવા ગામે પાસે જોકુ આવી જતાં રોડની બાજુમાં આવેલા વોલ વિનાનાં તળાવમાં કાર ખાબકી હતી. કાર તળાવમાં ખાબકતા જ લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીપી -૧૩ ના ફાયર બ્રિગેડનાં સબ ઓફિસર ઓમ જાડેજા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી એક યુવાનને બચાવી લીધો હતો. તેમજ તળાવમાં ડુબી ગયેલા ચંદ્રેશભાઇ શાહનો મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યારે એક યુવાનને તરીને બહાર આવતા ફાયર બ્રિગેડની ટીમે તેને બચાવી લીધો હતો. સીસવા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ગામનાં લોકો જાગતા હતા. પરિણામે બચાવ કામગીરી માટે તુરંત દોડી ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા બે યુવાનો બચી જતાં તેઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.