(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
વડોદરા શહેરના પાણીગેટ બહાર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં ગત મોડી સાંજે થયેલા અકસ્માતમાં બાળકનું મોત થયા બાદ કાર ચાલક તબિબની પાણીગેટ પોલીસે અટકાયત કરી હતી અને તેમની કાર પણ કબજે કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે શ્રીજી હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલના તબિબ ડો. મિતેષ સુતરીયા તેમની કારને પાર્કિંગમાંથી રિવર્સ કરી રહ્યાં હતા તે વખતે પાર્કિંગ સ્થળ નજીક રમતા એક અઢી વર્ષનાં બાળકને કારના પાછલા વ્હીલમાં અડફેટમાં આવી ગયું હતું. જેથી બાળકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે વારસીયા ખાતે આવેલ લોટસ નામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માત બનાવને પગલે સ્થાનિક તેમજ રાહદારીઓનું ટોળું જામ્યુ હતું. તે બાદ અકસ્માતનાં બનાવની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી. સીસીટીવી ફુટેજ ચેક કર્યા બાદ તબિબની મોડીરાત્રે અટકાયત કરી હતી. આ સાથે તેઓની કાર પણ કબ્જે લીધી હતી. આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તબિબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.